Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મહાભારત ૨૦૧૯...ચૂંટણીના વર્ષમાં બજારમાં આવશે ૧૫૦૦૦થી ૧૬૦૦૦ કરોડ રૂપિયા

ટ્રાન્સપોર્ટ, હોસ્પીટાલીટી, એવીએશન અને સોશ્યલ મીડીયા સેકટર્સ પર ધૂમ ખર્ચ થશેઃ ચૂંટણી બાદ અર્થતંત્ર મજબુત બનશે, આર્થિક વિકાસ વેગ પકડશે પરંતુ મોંઘવારી વધશે : ૧ ઉમેદવાર સરેરાશ ૬ કરોડનો ખર્ચ કરશેઃ કેટરીંગ પાછળ ૫૦૦ કરોડ, ટ્રાન્સપોર્ટેશન પાછળ ૧૮૦૦ કરોડ, ૫૦૦ રેલીઓ પાછળ ૨૫૦ કરોડ, સોશ્યલ મીડીયા પર ૫૦૦ કરોડ, એરલાઈન્સ પાછળ ૪૦૦ થી ૪૫૦ કરોડ ખર્ચાશેઃ નાના વેપારીઓ માટે અચ્છે દિન આવશે

નવી દિલ્હી, તા. ૨૩ :. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ અર્થતંત્રને મજબુતી મળશે તે નક્કી છે. ઔદ્યોગિક સંગઠનોના જણાવ્યા પ્રમાણે દરેક બેઠક પર સરકાર અને ઉમેદવારો તરફથી ઓછામાં ઓછા ૨૮ થી ૩૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ રીતે બજારમાં ૧૫૦૦૦થી ૧૬૦૦૦ કરોડ આવશે. ઔદ્યોગિક સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે આનાથી આર્થિક વિકાસ વેગવંતો બનશે. નાના વેપારીઓને ફાયદો થશે. ટ્રાન્સપોર્ટ, હોસ્પીટાલીટી, એવીએશન અને સોશ્યલ મીડીયા સેકટરમાં ભારેખમ ખર્ચ થશે.

એસોચેમના અનુમાન મુજબ દરેક બેઠક પર ઓછામા ઓછા ૩ થી ૪ ઉમેદવારો ગંભીરતાથી લડતા હોય છે. દરેક ઉમેદવાર સરેરાશ ૬ કરોડનો ખર્ચ કરશે એટલે કે ચાર ઉમેદવાર ચૂંટણી લડવા ગંભીર હોય તો સરેરાશ ૨૪ કરોડ ખર્ચાશે. બાકી ઉમેદવારો કુલ મળીને બે થી અઢી કરોડ ખર્ચ કરશે. સરકાર પણ દરેક બેઠક પર ૨.૫ કરોડથી ૩ કરોડનો ખર્ચ કરતી હોય છે. એવામાં દરેક બેઠક પર ૨૮ થી ૩૦ કરોડનો ખર્ચ થશે. તમામ ૫૪૩ લોકસભાની બેઠક ઉપર આટલો ખર્ચ થશે તો આ રકમ ૧૫૦૦૦ થી ૧૬૦૦૦ કરોડ થશે. ઔદ્યોગિક સંગઠન પીએચડી ચેમ્બર્સના મુખ્ય અર્થશાસ્ત્રી એસ.પી. શર્મા કહે છે કે ચૂંટણીમાં થનારા હજારો કરોડ રૂપિયાના વધારાના ખર્ચથી વિકાસની ઝડપ વધુ મજબુત બનશે. જો કે મોંઘવારી પણ વધશે.

ચૂંટણી પંચના નિયમ મુજબ લોકસભાની ચૂંટણી લડતો ઉમેદવાર વધુમાં વધુ ૭૦ લાખ રૂપિયા વાપરી શકશે. ઉમેદવાર અને સરકારી ખર્ચના નિયમોને જોડી દેવાય તો દરેક બેઠક પર ૪ કરોડ અને ૫૪૩ બેઠક પર ૨૧૭૨ કરોડ ખર્ચાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરલાયન્સ, કેટરીંગ, ટ્રાન્સપોર્ટ અને પ્રચાર પાછળ ધૂમ ખર્ચો થશે. એરલાઈન્સ પાછળ ૪૦૦ થી ૪૫૦ કરોડ ખર્ચાશે. હેલીકોપ્ટરની એક કલાકની ઉડયન સેવા પર ૧ થી ૧.૨૫ લાખ જ્યારે જેટ વિમાન પર ૩.૫ થી ૪ લાખ પ્રતિ કલાક ખર્ચ થશે. ફેડરેશન ઓફ સ્મોલ મીડીયમ ઈન્ડસ્ટ્રીઝના મહામંત્રી અનિલ ભારદ્વાજ કહે છે કે કેટરીંગ, ટેન્ટ, ઝંડા, બેનરનો કારોબાર ૫૦૦ કરોડથી વધુ થશે. ઓલ ઈન્ડીયા મોટર કોંગ્રેસના સભ્ય અજય પાઠક કહે છે કે, ટ્રાન્સપોર્ટેશન પર ૧૮૦૦ કરોડના ખર્ચનું અનુમાન છે.

દરેક સીટ પર સરેરાશ ૪ ઉમેદવાર ગાડીઓનો ધૂમ ઉપયોગ કરતા હોય છે. છેલ્લા ૧૫ દિવસમાં ૧૫ લાખ પ્રતિ ઉમેદવાર ખર્ચ થાય છે. આ રીતે ૫૪૩ બેઠક પર વાહનો પર કુલ ૩૨૫ કરોડ ખર્ચાશે. ૨૦૧૯મા લગભગ ૫૦૦ સભાઓ યોજાશે. એક રેલીમાં સામેલ થવા માટે સરેરાશ ૧૦૦૦ બસ પર ૧.૨૦ કરોડ ખર્ચાશે. તમામ પર ૬૦૦ કરોડ, ૫૦૦૦ કાર પર ૬૨૫ કરોડ, ટ્રેનમાં આવનાર કાર્યકરો પર સરેરાશ ખર્ચ ૫૦ લાખ આ રીતે ૫૦૦ રેલી પાછળ ૨૫૦ કરોડ ખર્ચાશે.

ઈન્ડીપેન્ડેન્ટ આઈરીસ નોલેજ ફાઉન્ડેશનના રીપોર્ટ મુજબ ૨૦૧૪માં ભાજપે સોશ્યલ મીડીયા પર ૧૫૦ કરોડ અને કોંગ્રેસે ૧૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૦૧૯માં તમામ પક્ષો ૫૦૦ થી ૬૦૦ કરોડનો ખર્ચ કરશે.

(11:34 am IST)