Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જીએસટીની ચોરી કરનાર સાવધાનઃ હવે ધડાધડ પગલા

પેનલ્ટીની વસુલી સાથે દોષિતો સામે કાનૂની કાર્યવાહી પણ થશે : મલ્ટીબ્રાન્ડ રિટેલ, કાર ડીલર, સ્ટીલ, પોર્ટ સર્વિસીસ, રિયલ એસ્ટેટ પર સરકારની નજર

નવી દિલ્હી, તા. ૨૩ :. જીએસટીમાં વધી રહેલી ચોરીને રોકવા માટે સરકાર મોટાપાયે અભિયાન ચાલુ કરવાની છે. જીએસટીનું કલેકશન ઓછા થવાથી ચિંતિત સરકાર તેના કારણે તપાસી રહી છે. ડાયરેકટર જનરલ ઓફ જીએસટીએ આ કાર્યવાહી શરૂ કરી છે.

ચોરી પકડવા માટે ઈન્ટેલીજન્સ અને ઈનવોઈસ મેચીંગની મદદ લેવાય રહી છે. જીએસટી ચોરી બાબત હાલમાં તો સરકારનું પુરૂ ધ્યાન મલ્ટીબ્રાંડ રીટેલ કાર ડીલર, સ્ટીલ, પોર્ટ સર્વિસીઝ, રીયલ એસ્ટેટ જેવા સેકટરો પર કેન્દ્રીત છે. સરકાર તરફથી કરાવેલા અભ્યાસમાં એવું સામે આવ્યુ છે કે સૌથી વધુ ટેકસ ચોરી આ સેકટરોમાં જ થઈ રહી છે. સૂત્રો મુજબ જીએસટીમાં ચોરી કરનાર પાસેથી ખાલી પેનલ્ટી જ નહી લેવાય પરંતુ તેમની સામે કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેક્ષ ચોરી કેવી રીતે થાય છે ?

નાણા મંત્રાલયના સીનીયર અધિકારીઓ અનુસાર અત્યાર સુધીની તપાસમાં જીએસટીમાં બે રીતે ચોરી થતી હોવાનું સામે આવ્યુ છે. ઘણા લોકો ખોટા બીલની મદદથી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લઈ રહ્યા છે. ઉપરાંત વેપાર ઓછો બતાવે છે. આનો મતલબ પ્રોડકટની ખરીદી અને વેચાણ બીલ વગર થાય છે. મોટા પ્રમાણમાં લેવડદેવડ રોકડમાં થાય છે. સાથે જ સોદામાં કાળા નાણાનો ઉપયોગ થાય છે. રીટેલ અને રીયલ એસ્ટેટમાં ઓછી કિંમતે સોદા થાય છે. એટલે એમા કાળા નાણાનો વપરાશ વધી રહ્યો છે. ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ પ્રાથમિક તપાસ પછી જે લોકોએ ટેક્ષ ચોરી કરી હોવાની શંકા છે તેમની યાદી તૈયાર કરી છે. અત્યાર સુધીમાં ચાર ઠેકાણે રેડ પાડીને ૫૦૦ કરોડની ટેક્ષ ચોરી પકડવામાં આવી છે.

કડક કાર્યવાહી થશે...

ટેક્ષ એકસપર્ટ નિખીલ ગુપ્તાનું કહેવું છે કે, જીએસટી ટેક્ષ ચોરી વિરૂદ્ધ સરકારે કડક નિયમો રાખ્યા છે. ૫ કરોડ રૂપિયા સુધીની ટેક્ષ ચોરી પર પેનલ્ટી લાગશે. જે ટેક્ષ ચોરીના ૧૫ થી ૧૦૦ ટકા સુધી હશે. ૫ કરોડથી વધારે ટેક્ષ ચોરી પર ૧ થી ૫ વર્ષની જેલ પણ થઈ શકે છે. ટેક્ષ ચોરીન ઘણા મામલામાં જામીન પણ નહી મળે. જો કોઈ ખોટા ઈન્વોઈસ આપ્યા હોય અથવા બીલ વગર માલ વેચ્યો હોય તેવા કિસ્સામાં જો ટેક્ષ ચોરી ૫ કરોડથી વધારે હોય તો તે બિનજામીન પાત્ર આર્થિક ગુન્હો ગણાય છે.

ટેક્ષ કલેકશનમાં ઘટાડો

એપ્રિલની સામે મે માં જીએસટી કલેકશન ઘટયુ છે. મે મા જીએસટી કલેકશન ૯૪૦૦૦ કરોડ થયું છે જે એપ્રિલમાં ૧ લાખ કરોડ હતું. ટેક્ષ કલેકશનમાં ઘટાડા બાબતે નાણા મંત્રાલયે ચિંતા વ્યકત કરી છે. નાણા મંત્રાલયના એક સીનીયર અધિકારીનું કહેવું છે કે, ટેક્ષ કલેકશન ઓછું થવાથી રાજ્યોને તેની આવકમાં થયેલી ઘટની પૂર્તિ કરવી અને નિકાસકારોને રીફંડો આપવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. એક અનુમાન મુજબ અત્યારે નિકાસકારોના લગભગ ૨૦,૦૦૦ કરોડના રીફંડ અટકેલા છે. આ બાબતે નાણા મંત્રાલયનું કહેવું છે કે મોટા ભાગના રીફંડ શીપીંગ બીલ અને રીફંડની માહિતી મેચ ન થતી હોવાના લીધે અટકયા છે. માહિતી મેચ ન થવાને કારણે નિકાસકારોના ૭૦ ટકાથી વધારે રીફંડ અટકી ગયા છે.

(11:32 am IST)