Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જેમની પાસે સત્તા હોય છે તે હંમેશા ન્યાયપાલિકાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા હોય છે : જસ્ટીસ ચેલમેશ્વર

જતા જતાં ન્યાયપાલિકા પર સરકારને આપતા ગયા સલાહઃ ન્યાયપાલિકામાં કયારેક સંકટ આવી જાય છે : અમે વ્યવસ્થા સામે લડયા

નવી દિલ્હી તા. ૨૩ : સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ન્યાયધીશ જસ્ટીસ જે. ચેલમેશ્વર ગઇકાલે સેવાનિવૃત્ત થયા હતા તેમણે કહ્યું હતું કે, જેમની પાસે સત્તા હોય છે. તેઓ હંમેશા ન્યાયપાલિકાને નિયંત્રીત કરવાના પ્રયાસો કરતા હોય છે દરેક સરકાર પછી ભલે તે વર્તમાન સરકાર હોય કે બીજી હોય અમેરિકામાં પણ આવું થાય છે. તેમણે કહ્યું છે કે, લોકતંત્ર વ્યવસ્થામાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા જરૂરી છે. તેમને પૂછાયું કે શું સંસ્થાની વિશ્વસ્નીયતા સંકટમાં હોય છે તો તેમણે કહ્યું હતું કે, કયારેક હોય છે . હું સિસ્ટમ સામે લડતો હતો. ન્યાયપાલિકા સાથે સમસ્યા પણ જોડાયેલી હોય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ચેલમેશ્વર શુક્રવારે રીટાયર થયા હતા. રીટાયરમેન્ટ પછી જસ્ટીસ ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં ન્યાયધિશો દ્વારા પહેલીવાર થયેલી પ્રેસ કોન્ફરન્સ બાબતે પોતાનો મત પ્રગટ કર્યો. જસ્ટીસ દિપક મિશ્ર સામે તેમણે કરેલા બળવા માટેની આ કોન્ફરન્સ માટે મને કોઇ ખેદ નથી તેમ તેમણે કહ્યું.

એક ટીવી ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જસ્ટીસ કે.એમ.જોસેફને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન ન આપવાના કેન્દ્રના નિર્ણય સાથે હું અસહમત છું અને સરકારનું આ પગલું યોગ્ય નથી. જણાવી દઇએ કે જસ્ટીસ ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટના બીજા ત્રણ ન્યાયધીશો સાથે મળીને એક અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં કેસ સોંપવામાં બેંચો સાથે થતા ભેદભાવની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતની વિશ્વસનિયતા કયારેક કયારેક સંકટમાં આવી છે.

તેમણે કહ્યું કે, હું ઇચ્છં છું અને પ્રાર્થના કરૃં છું કે જોસેફ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બને. મેં તેમને રોકયા નથી હું તેમના માટે સતત કહી રહ્યો હતો. કોલેજીયમે સર્વસંમતિથી પોતાની ભલામણો મોકલી છે. તેમણે જસ્ટીસ જોસેફને એક ઉત્કૃષ્ટ ન્યાયાધીશ ગણાવ્યા હતા.

ચેલામેશ્વરે કહ્યું કે, બની શકે કે કોઇ એક ઘટના અને સમયમાં આ સિદ્ઘાંતે સંસ્થાનની અખંડિતતા અને વિશ્વસનિયતાને નુકસાન પહોંચાડ્યું હોય. પરંતુ આ સિદ્ઘાંત ઉપર કયારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી. કોઇએ આના પર વાંધો દર્શાવ્યો નથી. કોઇએ તો સંસ્થાનને સરખું કરવું પડશે.

આ ઉપરાંત તેમને પૂછવામાં આવ્યું કે, શું વર્તમાન ચીફ જસ્ટીસ દિપક મિશ્રા પોતાની તાકાતનો ઉપયોગ કરતા હતા. જેના પગલે ચાર વરિષ્ઠ જજોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આના જવાબમાં જણાવ્યું હતું કે, કોઇ વ્યકિત વિશેષ અંગે નથી બોલવા માંગતો. મેં વ્યવસ્થા સાથે સંકળાયેલા મોટા પ્રશ્નોને ઉઠાવ્યા છે. આ પ્રકારના વ્યકિતઓ કોઇ મહત્વન નથી રાખતા. મારી સાથે પ્રેસકોન્ફરન્સમાં બેસનારા મારા સાથીઓ આજ કાલમાં નિવૃત્ત થઇ જશે. આવી રીતે ચીફ જસ્ટીસનો કાર્યકાળ પણ પૂરો થઇ જશે. અહીં કોઇ સ્થાયી નથી.(૨૧.૮)

(11:31 am IST)