Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારને હવે ઉંમરકેદની સજાઃ ૧૦ લાખનો દંડ થશે

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ દ્વારા નવો કાયદો જાહેર કરવાની કવાયત શરૂ

નવી દિલ્હી તા. ૨૩: દેશમાં જીરુ સહિતની અનેક ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ સતત વધી રહયું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એના ગુનેગારોને કડક સજા અપાવતો નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. ફુડ સેફટી એજન્સી દ્વારા કાયદામાં ફેરફાર વિશેની દરખાસ્તો સરકારને મોકલી આપી છે, જેમાં એક દરખાસ્ત ભેળસેળ કરનારા સામે ઉંમરકેદની પણ છે.

ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારને ઉંમરકેદની સજા થાય એ માટેની દરખાસ્ત કરી છે, જયારે સાત વર્ષની જેલની સજાથી લઇને ૧૦ લાખ સુધીના દંડની પણ દરખાસ્ત છે. અત્યાર સુધી ભેળસેળને કારણે કોઇ વ્યકિતનું મૃત્યુ થાય તો જ ઉંમરકેદની સજાની જોગવાઇ છે, પરંતુ હવે માત્ર ભેળસેળ કરનાર સાબિત થાય તો તેને પણ આટલી સજા થઇ શકે છે.

ખાદ્ય તેલમાં ભેળસેળના કિસ્સામાં અત્યાર સુધી નિકાસકારોનો સમાવેશ થતો નહોંતો, પરંતુ હવે તેને પણ આ કાયદા હેઠળ આવરી લેવાશે. ખાદ્ય સુરક્ષાના નવા નિયમમાં નિકાસકારોની સાથે જે વસ્તુઓ આયાત કરવામાં આવે એમાં આયાતકારોને પણ જવાબદારી નીચે મુકવામાં આવ્યા છે. આમ ભેળસેળના કિસ્સામાં હવે કોઇ પણ વ્યકિત કાયદાની છટકબારીમાંથી છટકી શકશે નહીં.

નવા નિયમમાં માત્ર માણસો માટેની ખાદ્ય ચીજોની સાથે પશુઓને ખાવામાં વપરાતી ચીજોને પણ આ કાયદા હેઠળ આવરી લેવાશે. જેમ કે હાલમાં કપાસિયા ખોળમાં મોટા પાયે ભેળસેળ થઇ રહી છે, જે હેઠળ પણ કોઇ પકડાય તો તેને પણ ઉંમરકેદની સજા નવા કાયદાનો અમલ થયા બાદ થઇ શકે છે.

(11:29 am IST)