Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગોવાના ૨૪ ટૂરિસ્ટ-સ્પોટ પર લાગશે નો સેલ્ફીની સાઇન

૩૦ સપ્ટેમ્બર સુધી ગોવાના પર્યટકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે

પણજી તા.૨૩: મોબાઇલ ફોનમાં સેલ્ફી લેવાની ઘેલછામાં થતા અકસ્માતો ટાળવા માટે ગોવામાં ૨૪ જોખમી સ્થળો પર 'નો સેલ્ફી' ની સાઇન મૂકવામાં આવશે. હિલ-સ્ટેશનની માફક દરિયાકિનારાનાં પર્યટન સ્થળો ખાતે પણ સેલ્ફી લેનારાઓ આકસ્મિક રીતે પડી જતાં કે દરિયાના મોજામાં તણાઇ જતાં ગંભીર સ્થિતિ અને કયાકેર મૃત્યુની ઘટનાઓ બને છે. રાજય સરકારે નિયુકત કરેલી લાઇફ ગાર્ડ એજન્સી 'દ્રષ્ટિ મરીન' એ આ ૨૪ સ્પોટ જોખમી હોવાનું જણાવ્યું છે.

ગોવામાં દરિયાનાં શકિતશાળી મોજાં અને લપસણા ખડકોને કારણે જોખમી બીચ પર લોકોને ચેતવણીની સૂચનારૂપે 'નો સેલ્ફી' ની સાઇન 'દ્રષ્ટિ મરીન' તરફથી મૂકવામાં આવશે. નોર્થ ગોવામાં બાગા રિવર, ડોના પોલા જેટી, અંજુના બીચ, અરમ્બોલ બીચ બામ્બોલિમ વગેરે ઠેકાણે 'નો સેલ્ફી' સાઇન મુકવામાં આવશે. સાઉથ ગોવામાં અગોન્ડા, બોગમાલો, બાઇના, જેપનીઝ ગાર્ડન, રાજબાગ વગેરે વિસ્તારોમાં 'નો સેલ્ફી' સાઇન જોવા મળશે.

એ ઉપરાંત ચોમાસા દરમ્યાન એટલે કે ૧ જુનથી ૩૦ સપ્ટેમ્બર સુધી પવનની દિશા અને વેગ તેમ જ દરિયો તાફાની રહેવાને કારણે પર્યટકોને દરિયાથી દુર રહેવાની (સ્વિમિંગ કે વોટર બેઝડ રેક્રીએશનલ એકિટવિટીઝ નહીં કરવાની) સૂચના આપવામાં આવી છે. દરેક બીચના લાઇફ ગાર્ડ ટાવર પર દ્રષ્ટિના બે લાઇફગાર્ડ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

(11:29 am IST)