Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

શિક્ષકની બદલી રોકવા વિદ્યાર્થીઓનું આંદોલન બાળકો હિબકે ચઢ્યા:સ્કૂટરની ચાવી લઇ લીધી

ઉત્તર ચેન્નાઇના તિરૂવલ્લુરના વેલિયાગરામના સરકારી હાઈસ્કૂલના શિક્ષકની બદલી રોકવા માંગણી

શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી બાળકોને શિક્ષણ- કેળવણીના પાઠ ભણાવનાર શિક્ષક ખરા અર્થમાં ભવિષ્ટદાતા બનતો હોય છે શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી માટે  શિક્ષકના સ્વભાવ, ભણાવવાની રીત, બાળકો સાથેનું તેમનું બોન્ડીંગ વગેરે કારણોથી બાળકોને શિક્ષક પ્રત્યે માન વધે છે.આવા સંજોગોમાં જો આવા શિક્ષકની કોઈ બીજી જગ્યાએ બદલી કરવામાં આવે તો ? સ્વાભાવિક છે બાળકો દુખી થઈ જાય.આવો જ એક મામલો બહાર આવ્યો છે એક શિક્ષકની બદલી રોકવા બાળકોએ આંદોલન છેડ્યું છે

 ઉત્તર ચેન્નાઇના તિરૂવલ્લુરના વેલિયાગરામના સરકારી હાઈસ્કૂલમાં સ્ટુડન્ટસને ખબર પડી કે તેમના ઈંગ્લિશ ટીચર જી.ભગવાનની બદલી આ એરિયાની બીજી સ્કૂલમાં થઈ ગઈ છે.ત્યારે 100થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પોતાના ટીચરને પકડી લીધા. જાણે ટીચરને રીતસરના બંધક બનાવ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો.

  જી.ભગવાન સરકારી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક છે. તેઓ છઠ્ઠા ધોરણથી લઇને 10માં ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીનો વિષય ભણાવતા હતા. જી.ભગવાન બાળકોને એક શિક્ષક તરીકે નહીં પરંતુ પોતાના બાળકોની જેમ સારી રીતે ભણાવતા આથી તેઓ બધાના ફેવરિટ શિક્ષક હતા. બુધવારે જ્યારે તેમની વિદાય થઈ ત્યારે બાળકોએ આ આદેશની વિરૂદ્ધ આંદોલન શરૂ કર્યું. વિદ્યાર્થીઓના માતા-પિતા પણ બાળકો સાથે જોડાઈ ગયા.

  આ અંગે સ્કૂલના પ્રિન્સિપલ અરવિંદનના મતે આંદોલન કરી રહેલા બાળકોના માતા-પિતાને ટ્રાન્સફરના નિયમ અંગે સમજાવતા તેઓ સમજી ગયા. પરંતુ બાળકો હજુ જિદ્દે ચઢ્યા છે. આથી પ્રિન્સિપાલે તેમના વિસ્તારના ધારાસભ્યને જણાવી ટ્રાન્સફર રોકાવાની માંગણી કરી અને 10 દિવસ ટ્રાન્સફર ટાળવાનું કહ્યું છે.

  આ અંગે જી.ભગવાને કહ્યું કે, ટ્રાન્સફરના દિવસે જ્યારે હું ઓફિસમાંથી નીકળી રહ્યો હતો ત્યારે બાળકોએ મને ઘેરી લીધો. તેમણે મારા સ્કૂટરની ચાવી લઈ લીધી. એકે તો મારી બેગ જ છીનવી લીધી. તેઓ મને પકડીને રડવા લાગ્યા. તેઓ મને ખેંચીને કલાસ રૂમમાં લઈ ગયા. મેં અહીં માત્ર પગાર જ નહીં, પરંતુ લોકોનો પ્રેમ અને સમ્માન પણ કમાયા છે.

(12:00 am IST)