Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

RBIએ જૂનમાં વ્યાજદર વધારવાના સંકેત આપ્યા

તમામ લોન વધુ મોંઘી થઈ શકે છેઃઆગામી મિટિંગમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા ઃ RBIના ગવર્નર શક્તિકાંત દાસ

ભારતમાં નીચા વ્યાજદરની સાઈકલ પૂરી થઈ હોય તેમ લાગે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં આશ્ચર્યજનક રીતે વ્યાજદર વધાર્યા પછી જૂનમાં પણ રેટ વધે તેવી શક્યતા છે. તેના કારણે ઓટો લોન, હોમ લોનના દર વધી જશે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે એક મુલાકાતમાં જણાવ્યું કે આગામી મિટિંગમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જૂનની મિટિંગમાં RBI ફુગાવાની નવી આગાહી પણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે રૃપિયાના મૂલ્યમાં બેફામ ધોવાણ થવા દેવામાં નહીં આવે અને રૃપિયાને તૂટતો અટકાવવા માટે RBI દ્વારા પગલાં લેવાશે. ફુગાવાનો દર સળંગ ચાર મહિના સુધી ૬ ટકાથી ઉપર રહેતા સેન્ટ્રલ બેન્કે ચાલુ મહિને રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરીને રેપો રેટ ૪.૪ ટકા કર્યો હતો. ૬થી ૮ જૂન દરમિયાન આરબીઆઈની મિટિંગ મળશે તેમાં વધુ એક વખત મુખ્ય વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે. ચાલુ મહિનાની શરૃઆતમાં રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં પણ ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરીને સીઆરઆર ૪.૫ ટકા કર્યો હતો. તેનાથી બેન્કિંગ સિસ્ટમમાંથી ૮૫,૦૦૦ કરોડની લિક્વિડિટી ખેંચાઈ ગઈ હતી. શક્તિકાંતા દાસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણે ફુગાવાને અંકુશમાં રાખવા માટે ફિસ્કલ અને મોનેટરી ઓથોરિટી વચ્ચે સંકલન શરૃ કર્યું છે. આ પગલાંથી ફુગાવો થોડો ઘટશે.

સેન્ટ્રલ બેન્કે ફુગાવા માટે ૨થી ૬ ટકાનું લેવલ નક્કી કર્યું છે, પરંતુ ફુગાવો આ સ્તરની ઉપર રહ્યો છે. એપ્રિલ મહિનામાં ભારતનો રિટેલ ફુગાવાનો દર આઠ વર્ષની ટોચ પર હતો જેના કારણે સેન્ટ્રલ બેન્કની સહનશીલતાની હદ આવી ગઈ હતી અને તેણે રેટમાં વધારો કરવો પડ્યો હતો.

RBIએ તાજેતરમાં વ્યાજદરમાં વધારો કર્યા બાદ તમામ મહત્ત્વની બેન્કોએ તરત તેના લોનના રેટ અને ડિપોઝિટ રેટમાં વધારો કરી દીધો હતો. SBI, HDFC બેન્ક, બેન્ક ઓફ બરોડા, ICICI બેન્ક સહિતની બેન્કોએ RBIના પગલાં પછી લોનના દર વધારી દીધા હતા જેના કારણે લોન પર EMI અથવા લોનનો સમયગાળો વધી ગયો છે.

(8:56 pm IST)