Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દારાસીંહ પહેલા ‘‘રૂસ્‍તમે હિંદ''નો ખિતાબ ગામા પહેલવાનના નામે હતા

રોજ ૬ દેશી મુરઘી, ૧૦ લીટર દૂધનો ખોરાક હતો ગામા પહેલવાનનો : ગામાની ૧૪૪મી જન્‍મ જયંતિ પર ગુગલે બનાવ્‍યું ડૂડલ

નવી દિલ્‍હી તા. ર૩: રર મે ૧૯૭૮ના દિવસે કપૂરથલા જીલ્લાના જબ્‍બોવાલ ગામમાં જન્‍મેલા ગામા પહેલવાન એક કાશ્‍મીરી મુસ્‍લીમ પરિવારના હતા. ગામાના પિતા મુહમ્‍મદ અજીજ બક્ષે દિકરાને પહેલવાન બનાવવાનું સ્‍વપ્‍ન બતાવ્‍યું હતું પણ તે સાકાર મામા અને નાનાએ કર્યું. ગઇ કાલે ગામા પહેલવાનનો ૧૪૪મો જન્‍મ દિવસ હતો અને એ અવસરે ગુગલે ખાસ ડૂડલ પણ બનાવ્‍યું હતું. ડૂડલમાં ગામાને ગદા સાથે દર્શાવાયા હતા.
ધ ગ્રેટ ગામા, દારાસીંહથી પણ પહેલા રૂસ્‍તમે હિંદનો ખિતાબ પોતાના નામે કરનાર એ શખ્‍સ છે જેમણે રેસલીંગ વર્લ્‍ડ ચેમ્‍પીયન બનવાની સાથે સાથે મોટા મોટા દિગ્‍ગજોને પ્રેરિત કર્યા હતા.
ગુલામ મુહમ્‍મદ બક્ષ બટ્ટ એટલે કે ગામા પહેલવાનના પિતા દતિયાના મહારાજા ભવાનીસીંહના દરબારમાં કુસ્‍તી લડતા હતા. પણ પોતાના પુત્રને પહેલવાન બનાવે તે પહેલા જ કમનસીબે તેમનું મૃત્‍યુ થયું હતું. છ વર્ષના ગુલામ મુહમ્‍મદને તેમના નાના નૂન પહેલવાને તેમને અને તેમના ભાઇને પહેલવાની શીખવવાની જવાબદારી ઉઠાવી ત્‍યાર પછી ગામાના મામા ઇદા પહેલવાને બન્‍નેને કુશ્‍તીના પેંતરાઓ શીખવ્‍યા.
પોતાના પિતાની જગ્‍યાએ ગામા પણ દતિયાના મહારાજાના દરબારમાં પહેલવાન બની ગયા. આ દરમ્‍યાન તે ૧ર કલાકથી વધારે સમય પ્રેકટીસકરતા હતા. તેમના બાબતે કહેવાય છે કે તે રોજ લગભગ ર થી ૩ હજાર દંડ બેઠક અને ૩૦૦૦ પુશઅપ કરતા હતા. આ ઉપરાંત તે પોતાની પીઠ પર પ૦ કિલોથી વધારે વજનનો પથ્‍થર બાંધીને ૧ થી ર કિલોમીટર દોડતા હતા. ગામાનો ખોરાક સાંભળીને લોકો છક થઇ જતા. તેઓ રોજ ઓછામાં ઓછી છ દેશી મુરઘી, ૧૦ લીટર દૂર અને લગભગ ૧ લીટર ઘી પી જતા હતા.
ગામા માટે કહેવાય છે કે તે આજ સુધી કોઇ કૂશ્‍તી નહોતા હાર્યા. તેમણે તત્‍કાલીન વિશ્‍વ ચેમ્‍પીયન પોલેન્‍ડના સ્‍ટેની સ્‍લોસ ઝેબીન્‍સ્‍કીને ઇંગ્‍લેન્‍ડમાં કુશ્‍તીમાં હરાવ્‍યો હતો. ગામાએ પોતાની કારકિર્દી દરમ્‍યાન ઘણાં ખિતાબ મેળવ્‍યા હતા જેમાં ૧૯૧૦માં વર્લ્‍ડ હેવી વેઇટ ચેમ્‍પીયનશીપ અને ૧૯ર૭ માં વર્લ્‍ડ રેસલીંગ ચેમ્‍પીયન શીપ સામેલ છે. ૧૯૪૭ સુધીમાં ગામાએ પોતાની કળાથી ભારતનું નામ આખા વિશ્‍વમાં ચમકાવી દીધું હતું. જો કે ભારત-પાકિસ્‍તાન ભાગલા સમયે ગામા પોતાના પરિવાર સાથે લાહોર જતા રહ્યા હતા અને તેમણે એ વખતની હિંસામાં કેટલાય હિંદુ પરિવારોના જીવ બચાવ્‍યા હતા.
ભાગલા પછી પાકિસ્‍તાન ગયેલ ગામા પર ત્‍યાની સરકારે ધ્‍યાન ના આપ્‍યું અને તેમનો અંતિમ સમય બહુ આર્થિક તંગીમાં ગુજર્યો હતો. ગામા પહેલવાનનું ૧૯૬૦માં ૮ર વર્ષની વયે મૃત્‍યુ થયું હતું.

 

(12:08 pm IST)