Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અડધોઅડધ રાજ્‍યો દેવામાં ડુબ્‍યા : કંગાળીના આરે

મતો મેળવવાનું રાજકારણ હવે મોંઘુ પડી રહ્યું છે : કેન્‍દ્ર હાથ નહિ ઝાલે તો સ્‍થિતિ શ્રીલંકા - પાકિસ્‍તાન જેવી થશે : જમ્‍મુ-કાશ્‍મીર ઉપર ૫૬ ટકા, પંજાબ ઉપર ૫૩ ટકા, રાજસ્‍થાન ઉપર ૨૫% દેવું

નવી દિલ્‍હી તા. ૨૩ : દેશમાં કોરોના મહામારછી પછી ઘણા રાજ્‍યોએ જનતાને સબસીડી અને મફત યોજનાઓની રેવડી બાંટીને પોતાને કંગાલીયતના આરે પહોંચાડી દીધા છે. બેરોજગારી અને વધતી મોંઘવારી વચ્‍ચે મત મેળવવા જાહેર કરાતી યોજનાઓ પર હવે ચર્ચા શરૂ થઇ ગઇ છે. પંજાબ, રાજસ્‍થાન, પમિ બંગાળ, ગુજરાત, બિહાર, યુપી જેવા ઘણા રાજ્‍યો વ્‍યાજના ચક્રવ્‍યુહમાં ફસાયેલા છે. જો આ રાજ્‍યોને કેન્‍દ્રની મદદ ના મળે તો તેમની હાલત શ્રીલંકા અને પાકિસ્‍તાન જેવી થઇ શકે છે. નિષ્‍ણાંતો કેન્‍દ્રને સતત કૃષિ અને આરોગ્‍ય યોજનાઓમાં સબસીડી ધીમે ધીમે ઘટાડવા અને મફતની યોજનાઓ બંધ કરવાની સલાહ આપી રહ્યા છે.

રાજસ્‍થાનમાં અત્‍યાર સુધીની સરકારોએ જેટલું ઋણ લીધું હતું તેના ૨૫ ટકા ગેહલોતે ૩ વર્ષમાં લીધું છે. રાજ્‍ય પર કુલ દેવું ૪ લાખ ૩૪ હજાર કરોડ રૂપિયાથી વધારે થઇ ચૂક્‍યું છે. સરકાર વર્ષે ૨૫ હજાર કરોડ રૂપિયાનું વ્‍યાજ ચુકવી રહી છે. જૂની પેન્‍શન યોજના અને મફત વીજળી રાજ્‍યને હજુ પણ વધુ ભયંકર દેવામાં ફસાવી શકે છે.

કારણ એ છે કે ગળા સુધી દેવામાં ડૂબેલા આ રાજયો આવકનો અડધો ભાગ દેવું ચૂકવવામાં ખર્ચી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના જણાવ્‍યા અનુસાર, પંજાબે છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય સંસાધનો બનાવવા માટે માત્ર ૫ ટકા ખર્ચ કર્યો છે, જયારે ૪૫ ટકાથી વધુ લોનના હપ્તાઓમાં જમા કરવામાં આવે છે. આંધ્રપ્રદેશે ૧૦ ટકા નાણાકીય સંસાધનો પર ખર્ચ્‍યા છે, જયારે ૨૫ ટકા લોનની ચુકવણી પર. બાકીના રાજયોની પણ આ જ સ્‍થિતિ છે. રાજયો પર રાજય ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (GSDP) ના સરેરાશ ૩૧.૩% દેવું છે. કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીર તેના જીએસડીપીના ૫૬.૬ ટકા ધરાવે છે અને પંજાબમાં રેકોર્ડ ૫૩.૩ ટકા દેવું છે. રાજસ્‍થાનમાં ૩૯.૮ ટકા, પમિ બંગાળમાં ૩૮.૮ ટકા, કેરળમાં ૩૮.૩ ટકા, આંધ્રપ્રદેશમાં ૩૭.૬ ટકા છે.

મતદારોને લલચાવવાની યોજનાઓને કારણે દેવું વધ્‍યું. પંજાબમાં AAPએ દરેક મહિલાને મહિને રૂ. ૧,૦૦૦ અને દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાનું ચૂંટણી વચન આપ્‍યું હતું. તેનાથી ભગવંત માન સરકાર પર ૧૭,૫૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

(11:38 am IST)