Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

'સોરી ભાઈ, અમે કડકા થયા છીએ,' લૂંટારૂઓએ ૨,૦૦૦ રૂ.લૂંટ ચલાવી, જતા પહેલા ૧,૨૦૦ પરત આપ્યા

રામગઢ (ઝારખંડ), તા.૨૩: કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનમાં લૂંટારુંઓ પણ દયા દાખવી રહ્યા છે. ઝારખંડના રામગઢમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. છપરાથી લોહરદગા જઈ રહેલા ચાર મજૂરો પાસેથી રસ્તામાં લૂંટારુંઓએ બે હજાર રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, જતા પહેલા લૂંટારુઓએ ચારેયની માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ ખૂબ જ આર્થિક નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા છે. આ ઘટના કુજૂ પોલીસસ્ટેશનની હદમાં શુક્રવારે રાત્રે બન્યો હતો.

હકીકતમાં લોહરદગામાં રહેતા સ્ટીફન મુર્મૂ, જેવિયર, સંજય સાવ અને અલોક ચૌરસિયાએ જણાવ્યું કે તે લોકો છપરામાં રેલવેના તાર પાથરવાનું કામ કરે છે. પરંતુ લોકડાઉનને કારણે કામ બંધ થઈ ગયું છે. જે બાદમાં ચારેય સાઇકલ પર છપરાના લોહરદગા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં એક બાઇક પર આવેલા ત્રણ લોકોએ તેમના રોકયા હતા અને થપ્પડ મારીને પૈસા આપી દેવા માટે કહ્યું હતું. મજૂરોના જણાવ્યા પ્રમાણે તેમણે ડરના માર્યા બે હજાર રૂપિયા લૂંટારુંઓને આપી દીધા હતા. જોકે, લૂંટારુંઓએ તેમાંથી ૮૦૦ રૂપિયા રાખીને ૧,૨૦૦ રૂપિયા પરત આપી દીધા હતા.

જતા પહેલા માફી માંગી

બાઇક ચાલુ કરીને ભાગતા પહેલા બદમાશોએ 'સોરી ભાઈ, લોકડાઉનને કારણે અમે પણ કડકા થઈ ગયા છીએ' કહ્યું હતું. ચારેય મજૂરોએ કુજૂ શ્રીરામ ચોક સ્થિત મહતો માર્કેટમાં આખી રાત રહ્યા હતા. એ લોકોમાંથી એકની સાઇકલ પંકચર થઈ ગઈ હતી. આથી તમામ લોકોએ સાઇકલ સરખી કરાવવા માટે ચારેયએ દુકાન ખુલવાની રાહ જોઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે મજૂરો તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

(3:56 pm IST)