Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

નવકાર મહામંત્રના ૯૯.૯૯ કરોડ જાપની વૈશ્વિક સામુહીક મંત્ર આરાધનાઃ ૧૫ લાખ જૈન-જૈનેતરો ઓનલાઇન જોડાશે

કોરોનાથી માનવને મુકત કરવા નવકાર ગ્રુપ અને જૈન વિઝન દ્વારા ભારતમાં તા.૩૧ મે, રવિવારે સવારે ૮:૪૧ થી ૧૨:૪૧ દરમિયાન : પરમ પૂજય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય ફિરકાના આચાર્ય ભગવંત,સાધુ-સાધ્વીજી તેમજ અન્ય સંપ્રદાયના સંતો, મહંતોના આશીર્વાદ અને પ્રેરણા : રવિવાર તા.૩૧ મેના રોજ સવારે ૮:૪૧ થી ૧૨:૪૧ સુધી ઓનલાઇન આયોજન

રાજકોટઃ તા.૨૩, દેવ ગુરુ જેમાં સમાયેલા છે, જેના વડે પાપ, તાપ,સંતાપ દૂર થાય છે તેમજ શાંતિ,સમતા, સમાધિ પ્રાપ્ત થાય છે તે સર્વ મંત્રમાં શિરોમણી, મહા મંત્રાધિરાજ નવકાર મંત્ર છે.  વર્તમાન સમયના નકારાત્મક, ડર, ચિંતા, હતાશાના વાતાવરણ તેમજ કોરોના મહામારીથી મુકત થવા સમગ્ર વિશ્વના લોકો માટે ૯૯ કરોડ સામુહિક નવકારમંત્રના જાપનું ઐતિહાસિક અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

 પરમ પૂજય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય ફિરકાના આચાર્ય ભગવંત,સાધુ-સાધ્વીજી તેમજ અન્ય સંપ્રદાયના સંતો,મહંતોના આશીર્વાદ અને પ્રેરણાથી નવકાર ગ્રુપ દ્વારા સમગ્ર વિશ્વની માનવજાતિના રક્ષાર્થે ૯૯,૯૯,૯૯,૯૯૯ નમસ્કાર મહામંત્રના સામુહિક જાપનું ઓનલાઈન આયોજન તા.૩૧ મે, ને રવિવારના રોજ સવારે ૮: ૪૧  થી ૧૨: ૪૧ દરમિયાન કરવામાં આવ્યું છે.વિશ્વ ફલક પર યોજાનાર આ સામુહિક મંત્ર જાપમાં દેશ-વિદેશના જૈન જૈનેતરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુ ટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી જોડાઈ શકશે.   આ  આયોજનમાં   જૈન વિઝન સંસ્થા સહભાગી બનીને આ માનવતાના મહોત્સવને સફળ બનાવવા કાર્યશીલ છે.  આ અંગે જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના લોકો દ્વારા એક સાથે ,એક સમયે,એક જ દીવસે નવકાર મહામંત્રનું ઉચ્ચારણ થાય ત્યારે સકારાત્મક ઉર્જાનો વિશાલ સ્ત્રોત ઉભો થાય છે.

 પ્રથમ વખત ૧૫લાખથી વધુ ભાવિકો સામુહિક મંત્ર આરાધનામાં જોડાઈને વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યા છે ત્યારે ચારેય ફિરકાના સાધુ ભગવંતો તેમજ દરેક સંદ્યના અગ્રણીઓ,મહાનુભાવોનો સહયોગ તેમજ શુભેચ્છાઓ મળેલ છે.

 સર્વને સહપરિવાર સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે મુખ પર મુહપતિ અને જતના પૂર્વક હૃદયના ખરા ભાવથી  આરાધનામાં જોડાવા આમંત્રણ અપાયું  છે.

ફેસબુકઃ tiny.cc/Navkar9, ટેલિગ્રામઃ tiny.cc/Navkar9,

યુ ટ્યુબ,ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ પર Navkar Pariwar દ્વારા જોડાઈ શકશો.

   માનવજાતિના સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષા માટે થયેલ આ આયોજનને સફળ બનાવવા નવકાર પરિવારના રાજુ સાવલા ધર્મેશ શાહ જૈન વિઝનના ભરત દોશી, જય કામદાર સહિતના અનેક મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:28 pm IST)