Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કર્ણાટકમાં ૩૫,૦૦૦ મંદિરોના પૂજારીઓ રાહત માટે કોર્ટના શરણે : સરકારને નોટિસ

૨૭મેના રોજ સુનાવણી : મંદિરમાં પૂજારીઓ અને સેવકો માટે જીવન ચલાવવાનું પણ સંકટ

બેંગલુરૂ,તા.૨૩ : લોકડાઉનના કારણે માત્ર ઉદ્યોગો પર જ નહિં, મંદિરો પર પણ મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. તામિલનાડુના ૮,૦૦૦ મંદિરોએ વીજળી બિલ માફ કરવાની માંગણી કરી છે.

કર્ણાટકમાં ૩૫,૦૦૦થી વધુ મંદિરોના અર્ચક, સેવક અને પૂજારીઓએ આર્થિક સહાયતા માટે કોર્ટનું શરણ લીધું છે. તાજેતરમાં કર્ણાકટ હાઈકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરાઈ છે, જેમાં કર્ણાટકના નાના અને મધ્યમ મંદિરોના સેવકો અને અર્ચકોને આર્થિક સહાયતા આપવાની માંગણી કરાઈ છે.

અરજીમાં કહેવાયું છે કે, કર્ણાટક સરકારના આધિન આ મંદિરોના પૂજારી, સેવકો અને અર્ચકોને કોઈ આર્થિક સહાયતા આપવી જોઈએ. કર્ણાટકમાં કુલ ૫૦,૦૦૦થી વધુ મંદિરો છે, જેમાંથી લગભગ ૩૫,૫૦૦ મંદિર નાના કે સી કેટેગરીમાં આવતા મંદિરો છે.

આ મંદિરોની મુખ્ય આવક દાન-દક્ષિણા હોય છે, પરંતુ નેશનલ લોકડાઉનના કારણે બે મહિનાથી તેમની આવક સદંતર બંધ છે. મંદિરના સેવકો અને અર્ચકોને મંદિરની ગતિવિધીઓ સંચાલિત કરવામાં, દૈનિક ખર્ચાઓ અને ખુદનો જીવનનિર્વાણ ચલાવવામાં પણ ભારે પરેશાનીઓના સામનો કરવો પડે છે કર્ણાટક હાઇકોર્ટની ખંડપીઠે  વકીલ શ્રી હરિ કુટસા અને બેંગલુરૂના એક મંદિરના અર્ચક કે.એસ.એન. દિક્ષિતની અરજીને સ્વીકારી લીધી છે. કોર્ટ આ અંગે ૨૭ મેના રોજ સુનાવણી કરી શકે છે. કર્ણાટક સરકારને પણ આ અંગે કોર્ટ તરફથી નોટિસ આપવામાં આવી છે.

(3:26 pm IST)