Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

હપ્તામાં રાહત આપવાનો વિકલ્પ માત્ર ૨૦ ટકા લોન ધારકોએ અપનાવ્યો

જો સગવડ હોય તો પૈસા ભરી જ દેવાયઃ એસબીઆઇના ચેરમેનની સલાહ

નવી દિલ્હીઃ એસબીઆઇના ચેરમેન રજનીશકુમારે કહયું છે કે એસબીઆઇના ર૦ ટકા લોન ધારકોએ જ લોનના હપ્તા ચુકવવામાં અપાયેલી રાહતનો લાભ ઉઠાવ્યો છે. રીઝર્વ બેંકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બેંકોમાંથી લોન લેનાર લોકોને એક માર્ચ ર૦ર૦ થી ૩૧ મે ર૦ર૦ સુધી હપ્તા ચુકવવામાં છુટ આપવાની જાહેરાત કરી હતી. હવે આ મુદતને ૩૧-૮-ર૦ર૦ સુધી લંબાવવામાં આવી છે.

કુમારે કહયું કે એસબીઆઇમાં આ છુટનો લાભ લેનારાની ટકાવારી બહુ ઓછી છે. તેમણે કહયું કે જે લોકો છુટનો વિકલ્પ  કર્યો છે તે બધાને નાણાની તંગી નથી. તેમાંથી ઘણા પોતાના હપ્તા ચુકવી શકે તેમ હતા પણ તેમણે પોતાની રણનીતી અનુસાર  છુટનો લાભ લેવાનું નક્કી કર્યુ હતું. તેઓ પોતાના પાસેની રોકડ બચાવી રાખવા માગતા હતા એટલે તેમણે આ છુટનો લાભ લેવાનું પસંદ કર્યુ.

કુમારે લોન ધારકોને સલાહ આપી કે જો તેમને નાણાની અગવડ ન હોય તો તેમણે હપ્તા ચુકવતા રહેવું જોઇએ. જો તમે હપ્તો ચુકવવા સક્ષમ હો તો ચુકવતા રહો. જો તમે  ખરેખર હપ્તો ચુકવવા અસમર્થ હો તો જ આ છુટનો લાભ લેવો જોઇએ. તેમણે કહયું કે જો તમે હપ્તો ચુકવશો તો આ છુટનો લાભ ઉદ્યોગોને મળશે જેનો લાભ દેશને થશે.

(2:43 pm IST)