Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સુનાવણીમાં ન્યાય નથી મળતો

નિયમિત સુનાવણીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ કરી માંગણી

નવી દિલ્હી તા. ૨૩ :  બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા થતી સુનાવણીથી તેમના અસીલોને ન્યાય નથી મળી રહ્યો.

બીસીઆઇએ કહ્યું કે તે પૂરતા સુરક્ષા ઉપાયો સાથે અદાલતોમાં નિયમીત સુનાવણી ફરીથી શરૂ કરવા માટેના સૂચનો માટે રાજ્યોની બાર કાઉન્સીલ અને બાર એસોસીએશનના માધ્યમથી એક સર્વે કરાવવા જઇ રહી છે.

બીસીઆઇએ કહ્યું કે અમે વિનમ્રતાપૂર્વક કહીએ છીએ કે બાર સાથે કોઇ ચર્ચા વિચારણા કર્યા વિના કે તેને વિશ્વાસમાં લીધા વગર કોઇ લેવાય છે તો તે સફળ નહીં થાય. બીસીઆઇનું માનવું છે કે વીડીયો કોન્ફરન્સીંગમાં પ્રભાવી સુનાવણી નથી થઇ શકતી. જનતા અને વકીલએ વાતથી અજાણ છે કે દેશની વિભીન્ન અદાલતોમાં શું ચાલે છે.

૨૦મે એ થયેલ બીસીઆઇની મીટીંગમાં એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની બાર કાઉન્સીલોના માધ્યમથી સુપ્રીમ કોર્ટ, બધી હાઇકોર્ટ અને જિલ્લા બાર એસોસીએશનના સીનીયર વકીલો અને અન્ય વકીલોના મત જાણવામાં આવશે.

બીસીઆઇનું કહેવું છે કે તેની પાસે દેશની કેટલીક હાઇકોર્ટોમાં તાત્કાલિક કેસોમાં 'પિક એન્ડ ચુઝ'ની નીતિ અપનાવવા અંગેની ફરિયાદો આવી રહી છે. વાઇ-ફાઇ કનેકશન અને અન્ય ટેકનિકલ મુશ્કેલીઓના કારણે સુનાવણી બરાબર નથી થઇ શકતી. બીસીઆઇએ કહ્યું કે તેમણે એવો પ્રસ્તાવ પાસ કર્યો છે કે તે વડાપ્રધાન અને બધા મુખ્ય પ્રધાનોને અનુરોધ કરશે કે તેઓ જરૂરીયાતમંદ વકીલોને મદદ કરે.

બીસીઆઇએ કહ્યું કે, દેશના બધા બાર એસોસીએશનોએ એક પ્રસ્તાવ પાસ કરીને સ્થાનિક સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા કલેકટરોના માધ્યમથી વડાપ્રધાન અને બધા મુખ્યપ્રધાનોને મોકલવો જોઇએ. ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ અને બધી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોનો સંપર્ક કરીને તેમને આગ્રહ કરવામાં આવશે કે તેઓ વકીલોની એવી સમસ્યાઓ પર વિચાર કરે, જે સુનાવણી દરમિયાન સામનો કરવો પડે છે.

કોર્ટમાં અત્યારે ચાલતા મહત્વપુર્ણ કેસ

   એનઆરસી, એનપીએ, સીએએ અંગેની કેટલીક અરજીઓ અને કેસો

   ટેલિકોમ કંપનીની બાકી રકમ જમા કરવાનો કેસ

   મહિલા અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા

   સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ

   કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્રના નિર્ણયને પડકાર

 

(9:47 am IST)