Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના મહામારી વચ્ચે પણ ચીને સંરક્ષણ બજેટ ૬.૬ ટકા વધારી ૧૭૯ અબજ ડોલર કર્યુ

ચીનનું આ સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે

બેઇજિંગ, તા.૨૩: અમેરિકા પછી સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનાર ચીને કોરોના વાઇરસ મહામારીને કારણે અર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સૈન્ય બજેટ ૬.૬ ટકા વધારી ૧૭૯ અબજ ડોલર કર્યુ છે. ચીનનું આ સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણું વધારે છે. જો કે ચીન દ્વારા સંરક્ષણ બજેટમાં કરવામાં આવેલો આ વધારો તાજેતરના વર્ષોમાં સૌથી નીચો છે.

ચીન પાસે વિશ્વમાં સૌથી વધારે ૨૦ લાખ સૈનિકો છે. ૨૦૨૦માં તેણે પોતાના સૈન્ય બજેટમાં ૬.૬ ટકાનો વધારો કર્યો છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ(એનપીસી) દ્વારા આજે આ માહિતી આપવામાં આવી હતી.

ચીને સળંગ પાંચમાં વર્ષે પોતાના સંરક્ષણ બજેટમાં સિંગલ ડિજિટમાં વધારો કર્યો છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સંરક્ષણ બજેટમાં કરવામાં આવેલો આ વધારો તાજેતરના વર્ષોમાં સૌથી નીચો છે.

એનપીસીને રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર ચાલુ વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ ૧.૨૭ ટ્રિલિયન યુઆન એટલે કે ૧૭૯ અબજ ડોલરનું રહેશે. ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ ૧૭૭.૬૧ એબજ ડોલર હતું.

એનપીસીના પ્રવકતા ઝાંગ યેસુઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનના સંરક્ષણ બજેટમાં થતા ખર્ચમાં પારદર્શકતા ન હોવાના આરોપો તેમણે ફગાવી દીધા હતાં. ઝાંગે વધુમાં જણાવ્યું હતું કે ચીન કોઇ ચોરી છૂપીથી સૈન્ય ખર્ચ કરતું નથી.

ઉલ્લેખનીય છે કે ચીન ૨૦૦૭થી દર વર્ષે પોતાના સૈન્ય ખર્ચની વિગતોે દર વર્ષે સંયુકત રાષ્ટ્રને મોકલે છે. આ વિગતોમાં નાણાં કયાંથી આવે છે તે લઇને નાણાંનો ઉપયોગ કયાં કરવામાં આવશે તે પણ દર્શાવવામાં આવેલુ હોય છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ(સિપ્રી)ના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ચીને ૨૩૨ અબજ ડોલરનો સૈન્ય ખર્ચ કર્યો હતો. સિપ્રીના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં અમેરિકાનો સંરક્ષણ બજેટ ૭૩૨ અબજ ડોલરનો હતો.

ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ફોર ડિફેન્સ એન્ડ એનાલિસિસ(આઇડીએસએ)ના અનુસાર ૨૦૨૦માં ભારતનું સંરક્ષણ બજેટ ૬૬.૯ અબજ ડોલરનું છે. એટલે કે ૨૦૨૦માં ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ૨.૭ ગણું વધારે છે.

ઝાંગના જણાવ્યા અનુસાર છેલ્લા દ્યણા વર્ષોેથી ચીનનું સંરક્ષણ બજેટ તેના જીડીપીના ૧.૩ ટકા જેટલું છે. જયારે વિશ્વનો સરેરાશ સંરક્ષણ બજેટ જીડીપીના ૨.૬ ટકા છે.

કોરોના વાઇરસ મુદ્દે ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી તંગદિલી વધી ગઇ છે. કોરોના વાઇરસના ફેલાવા માટે અમેરિકાએ ચીનને જવાબદાર ઠેરવતા બંને દેશોે વચ્ચેના સંબધે ફરીથી બગડયા છે ત્યારે ચીન દ્વારા સંરક્ષણ બજેટમાં ૬.૬ ટકાનો કરાયેલા વધારાને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.(૨૩.૨)

(9:45 am IST)