Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપના વિજય માટેના ૧૦ મોટા કારણોઃ કોંગ્રેસ સમજી ન શકી અમિત શાહનું ગણિત અને મોદીની રણનીતિ

- રાષ્ટ્રવાદને કારણે મળ્યો વિજય

ચૂંટણી પહેલા મનાતુ હતુ કે, વિપક્ષ બેરોજગારી, મોંઘવારી અને રાફેલના સવાલને લઈને ભાજપને ભીડવશે પરંતુ ચૂંટણી પહેલા મોદીએ રાષ્ટ્રવાદનો એવો ડંકો વગાડયો કે બધા મુદ્દા હવાઈ ગયા

- વિકલ્પનો અભાવ

આ વખતે ચૂંટણીમાં લોકોમાં મોદી સરકાર વિરૂદ્ધ થોડી નારાજગી હતી. થોડી સત્તા વિરોધી લહેરથી મોદી અને શાહ વાકેફ હતા આમ છતા તેઓ વિજય માટે વિશ્વાસ ધરાવતા હતા. આનુ કારણ વિપક્ષ પાસે નેતાનો અભાવ હતો. વિપક્ષ એક પણ ચહેરો રજુ કરી ન શકયું.

- મોદી - શાહની જોડી

ભાજપના સતત બીજા વિજયમાં સૌથી મોટી ભૂમિકા મોદી અને શાહની જોડીની છે. આ બન્ને નેતાઓએ ભલે ભાજપને પર કબ્જો જમાવ્યો હોય પણ તેમની વ્યુહરચના આબાદ હોય છે જે તેમણે સિદ્ધ કરી દીધું. સાત તબક્કાના મતદાનમાં બન્ને નેતાઓએ દરેક તબક્કાની રણનીતિ બનાવી.

- મેં ભી ચોકીદારે રંગ બતાડયો

ભાજપ માટે ખાસ વાત એ હતી કે વિપક્ષ રાષ્ટ્રીય સ્તરે મોદી સરકાર વિરૂદ્ધ કોઈ એજન્ડા નક્કી કરવામાં નિષ્ફળ રહ્યુ હતું. એક રાફેલને લઈને રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈ.. નો ઉપયોગ કરી પ્રહાર કર્યો હતો પરંતુ મોદીએ મેં ભી ચોકીદાર કહી વળતો હુમલો કર્યો હતો અને રાહુલના નારાનું સૂરસૂરીયુ થઈ ગયુ હતું. આખરે રાહુલને માફી પણ માંગવી પડી.

- પહેલેથી વિપક્ષ વિખેરાયેલો હતો

ભાજપ સામે વિપક્ષ એક જુથ નહોતો. વિપક્ષ જુથમાં બધા અલગ અલગ સૂર વ્યકત કરતા હતા. કોંગ્રેસ તો મોટાભાગના રાજ્યોમાં જૂનીયર પાર્ટીના સ્વરૂપમાં રહી હતી. પ્રાદેશિક પક્ષો સાથે તાલમેલ ન હતો. વિપક્ષ જનતા સમક્ષ કોઈ વિકલ્પ આપવા સક્ષમ નહોતું.

- મોદી સતત ચર્ચામાં રહ્યા

ભાજપની જીતમાં સૌથી મોટુ કારણ મોદીનું ચર્ચામાં રહેવુ છે. તેઓ ગમે તે પ્રસંગ હોય ચર્ચામાં રહેતા. તેમની રેલી હોય કે અક્ષયકુમાર સાથે મુલાકાત હોય બધા એ ચર્ચા જગાવી. વિપક્ષના નેતાઓ મીડીયા સમક્ષ આવ્યા પણ લોકોને આકર્ષી ન શકયા. વિપક્ષના ભાષણોમાં ફકત મોદીનો વિરોધ હતો જ્યારે મોદીના ભાષણોમાં સુપરહીટ ફિલ્મના મસાલા હતા.

- અઝહર મસુદ પર પ્રતિબંધ

યુનોએ ત્રાસવાદી મસુદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો તેમનો લાભ ભાજપને મળ્યો. ભાજપ અને મોદીએ એવો પ્રચાર કર્યો કે તેમના કારણે જ આ ત્રાસવાદી ઉપર પ્રતિબંધ મુકાયો. ભાજપની આ રણનીતિ કારગર નીવડી.

- નોટબંધી અને જીએસટી મામલામાં પણ વિપક્ષને હાર મળી

નોટબંધી અને જીએસટીને કારણે લોકોને પડેલી મુશ્કેલીનો લાભ ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યો. મોદી અર્થશાસ્ત્રી ન હોવા છતા એવુ જણાવવામાં સફળ રહ્યા કે આ બન્ને ફેંસલાથી દેશનું અર્થતંત્ર મજબુત રહ્યું.

- મજબુત નેતાની છબીનો લાભ

મોદીને ચૂંટણીમાં સૌથી વધુ લાભ મજબુત નેતા તરીકેનો મળ્યો. જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ બાલાકોટ એરસ્ટ્રાઈકને તેમણે જે રીતે ચૂંટણી લાભ માટે વટાવી તેની વિપક્ષોએ ટીકા પણ કરી પરંતુ દેશના લોકોને સંતોષ હતો કે ભારત પાકિસ્તાનને હંફાવી પણ શકે છે.

- અમિત શાહનું મેનેજમેન્ટ અને ચૂંટણી રણનીતી

અમિત શાહ ચૂંટણીના ચાણકય કહેવાય છે. તેઓ સતત કામ કરે છે, નાના નાના કાર્યકરો સાથે સીધો સંપર્ક કરે છે, સારૂ બુથ મેનેજમેન્ટ કઈ રીતે કરાય ? તે જાણે છે. વિપક્ષને કઈ રીતે ઘેરવો અને ઉમેદવાર કઈ રીતે પસંદ કરવો ? તે તેઓ સારી રીતે જાણે છે.

(5:02 pm IST)