Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રોહતાંગ પાસ-સ્વર્ગનું દ્વાર

હિમાલયની પીર પંજાબ રેંજમાં ૩૯૭૯ મીટરની ઉંચાઇએ આવેલ છે બારે માસ બરફ જોવા મળે છે

મનાલીઃ હિમાલયની પીર પંજાબ રેંજમાં ૩૯૭૯ મીટરની ઉંચાઇએ આવેલ રોહતાંગ પાસ એ એક અદ્દભૂત નજારાનું દર્શન કરાવતુ સ્થળ છે. તે મનાલીથી પ૧ કિલોમીટર દુર આવેલું છે અને ત્યાં પહોંચતા લગભગ દોઢ કલાકનો સમય વાગે છે તે હિમાલય પ્રદેશના લાહોલ અને સ્થિતિને કુલુ ખીણ સાથે જોડતો બારે માસ બરફથી છવાયેલા પ્રદેશ છે. ત્યાં સામાન્ય રીતે જુનથી નવેમ્બર સુધી રસ્તાઓ ખુલ્લા હોય છે જયારે શિયાળામાં અહીં ભારે હિમવર્ષા થતી હોવાથી તેને બંધ કરી દેવામાં આવે છે.

રોહતાંગ પાસ પ્રવાસીઓ માટે બહુ પ્રખ્યાત સ્થળ છે અને ઉનાળા દરમ્યાન ત્યાં બહુ ભારે ભીડ હોય છે ત્યાં પહોંચવા માટેહોટલ દ્વારા અથવા મનાલી માર્કેટના ટેક્ષી સ્ટેન્ડ પરથી ડાયરેકટ જાતે ટેક્ષી ભાડે કરી શકાય છે. રોહતાંગ જઇને પાછા આવ્યાનું ભાડુ વાહનના પ્રકાર અનુસાર ૧પ૦૦ થી ર૦૦૦ રૂપિયા જેટલું થાય છે.

મે ર૦૧પ થી નેશનલગ્રીન ટ્રીબ્યુનલના ઓર્ડર મુજબ રોહતાંગ પાસ જવા માટે પરમીટની જરૂર પડે છે મનાલીથી ૩ કી.મી. દુર અહીના પ્રવાસના વિભાગ દ્વારા એક ટોલનાકુ ઉભુ કરાયું છે, જે રોહતાંગ જતા વાહનોનું નિયંત્રણ કરે છે પરમીટ આપવાનો ઉદ્દેશ અહીનું પર્યાવરણ, જીવસૃષ્ટિ જાળવી રાખવાનો અને કાર્બનવાયુનું ઉત્સર્જન રોકવાનો છે.

પરમીટ મેળવવા માટેના બે રસ્તા છે એક, ઓનલાઇન એપ્લીકેશન અને બીજું મનાલી મોલમાં આવેલી કલેકટર ઓફીસમાં અરજી આપવી રોજના ૧૦૦૦ વાહનોને પરમીટ આપવામાં આવે છે જેમાંથી ૩૦૦ પરમીટ બહારના વાહનો માટે હોય છે. પરમીટ જે દિવસની હોય તે દિવસ પુરતી જ ચાલે છે.

પરમીટ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોમાં યોગ્ય રીતે ભરેલું એપ્લીકેશન ફોર્મ, વાહનનું રજીસ્ટ્રેશન, પીયુસી, ડ્રાઇવરનું ઓળખપત્ર આપવું પડે છે. આ બધા દસ્તાવેજો બપોર સુધીમાં આપી દેવામાં આવે તો તરત જ પરમીટ મળી જાય છે નહીંતર બીજા દિવસે તે મેળવવી પડે છે.

રોહતાંગ જતા પ્રવાસીઓ માટે અગત્યની માહિતી ડ્રાઇવરે પરમીટ દેખાડીને ટોલનાકે તેની નોંધ કરાવવાની હોય છે ઉપરાંત ત્યાંથી અમુક વાહનોનો જથ્થો સાથે મોકલવામાં આવતો હોવાથી સવારે પ વાગ્યે મનાલીથી પ્રવાસ શરૂ કરવો સલાહ ભરેલ છે, જેથી વાહનોની લાઇનમાં ન ઉભું રહેવું પડે. વાહનો તેમને બતાવવામાં આવેલ પાર્કીંગ એરીયામાં જ પાર્ક કરવા. સામાન્ય રીતે રોડની સાઇડમાં પણ વાહનો પાર્ક થતા હોય છે. જુન જુલાઇમાં તો રોડની સાઇડમાં પણ બરફ જોવા મળે છે પરંતુ પછીથી બરફ સુધી જવા માટે થોડો લપસણો ઢાળ ઉતરીને જવું પડે છે.

રોહતાંગ ટોપથી એક કિલોમીટર આગળ જઇને વાહન પાર્ક કરવું સલાહભર્યું છે જયાં બારે માસ બરફ હોય છે અને ઢાળ પણ સુગમ છે. અહીં ભીડ ઓછી હોવાથી બરફનો આનંદ વધારે લઇ શકાય છે. આ વિસ્તારના પર્યાવરણની જાળવણી માટે અહીં સ્નોસ્કુટર, સ્કીઇંગ જેવી પ્રવૃતિઓ પ્રતિબંધીત છે. આ બધી પ્રવૃતિઓ રોહતાંગના માર્ગમાં આવતા કોઠી ખાતે ૧૦૦ થી ૪૦૦ રૂપિયામાં થઇ શકે છે.

મનાલીથી કોઠી સુધીના રસ્તા પર દરેક જગ્યાએ સ્નોસીટ અને બુટ ભાડે મળતા હોય છે. તમારા રેગ્યુલર કપડાં ત્યાં ઠંડી અને પવનમાં કામ નહીં આપે એટલે તે પહેરવા સલાહભર્યા છે. આ સુટ અને બુટનું ભાડું મોટા માટે લગભગ ૩૦૦ અને બાળકો માટેના સુટનું ભાડું ર૦૦ આસપાસ હોય છે પછી જેવી તમારી બાર્ગેનીંગની આવડત વધારે સંખ્યામાં એટલે કે ગ્રુપમાં પણ તેના ભાવમાં ઘટાડો થતો હોય છે.

તમને ત્યાં ચા અથવા સુક્કો નાસ્તો વેચતા ફેરીયાઓ મળશે પણ જમવા માટે રોહતાંગમાં કોઇ રેસ્ટોરન્ટ નથી. જમવા માટે નજીકમાં નજીકનું ધાબુ રોહતાંગથી પ કિ.મી. દુર મારહી ખાતે જોવા મળશે ત્યાર પછી વધારે નીચે ઉતરતા ગુલાબામાં ધાબાઓ મળશે. રોહતાંગ ખાતે મોબાઇલ વોશરૂમની સગવડ આપવામાં આવી છે તે ઉપરાંત મારહી અને ગુલાબામાં આવેલા ધાબાઓમાં પણ વોશરૂમની સગવડો છે.

આલેખન

અશ્વિન દેસાઇ

રાજકોટ

મો.૯૮ર૪ર ર૧૦૦૦

મો.૯૪ર૬૩ ર૧૦૦૦

(4:56 pm IST)
  • ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે પણ નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી access_time 4:58 pm IST

  • ગાંધીનગરમાંથી અમિતભાઇ શાહની જીતઃ જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઇ પટેલની પણ જીત access_time 2:05 pm IST

  • નરેન્દ્રભાઈએ ટ્વિટર ઉપર 'થેન્કયુ ઇન્ડિયા' લખી વિજયની દેશવાસીઓને વધામણી આપી access_time 6:36 pm IST