Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

આંધ્રપ્રદેશ : જગમોહનની સુનામીમાં નાયડુ તણાયા

રેડ્ડી મુખ્યમંત્રી બનવા તરફ : ૧૪૯ સીટો પર YSRCP આગળ

હૈદ્રાબાદ તા. ૨૩ : મહાગઠબંધનના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો વિધાનસભા ચૂંટણીમાં રકાસ થયો છે. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને ૨૫ જેટલી સીટો મળી છે. જયારે YSRCPના જગમોહન રેડ્ડીની પાર્ટીને બહુમતની સરકાર મળી રહી છે. જગમોહન રેડ્ડીની પાર્ટીને ૧૪૯ સીટો મળી છે, જયારે ચંદ્રાબાબુ નાયડુનો આ વિધાનસભા ચૂંટણીમાં સફાયો થઈ ગયો છે. પરિણામે હવે આજે ચંદ્રાબાબુ નાયડુ રાજયપાલને રાજીનામું આપશે અને મુખ્યમંત્રી પદ છોડશે.

છેલ્લા કેટલાય સમયથી ચંદ્રાબાબુ નાયડુ રાજનીતિમાં બે ધારી તલવારની માફક રમી રહ્યા હતા. તેઓ મહાગઠબંધનમાં ભાજપને હરાવવાના મનસૂબા સેવી રહ્યા હતા. ત્યારે આજે આંધ્રપ્રદેશ વિધાનસભાના આવેલા પરિણામોમાં ચંદ્રાબાબુ માત્ર નાની એવી વિપક્ષના સુકાની બનીને રહી ગયા છે. જેથી આજે સાંજે તેઓ રાજયપાલને રાજીનામું આપી શકે તેવી અટકળો વહેતી થઈ છે

આંધ્ર પ્રદેશમાં ૧૭૫ વિધાનસભાની સીટો છે જેમાંથી અત્યારે ૧૪૯ સીટો પર YSRCP આગળ ચાલી રહી છે. જયારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને માત્ર ૨૫ સીટો મળી છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો એ સમયે ટીડીપી સત્તામાં આવી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીડીપીના ખાતામાં ૧૦૨ સીટો મળી હતી જયારે YSRCP ૬૭ સીટો મળી હતી. અહીં ભાજપના હાથમાં ૪ સીટો આવી હતી. જયારે નવોદમયને એક અને એક સીટ અપક્ષ ઉમેદવારને મળી હતી.

(4:35 pm IST)