Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશના ૧૮ રાજ્યોમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નહી

દિલ્હી, હરિયાણા, હિમાચલમાં તો બીજેપીનું દે ધનાધન : યુપી - બિહાર - એમપી - બંગાળમાં ભારે બહુમત : કોંગ્રેસ પાસે પંજાબ - કેરળ સિવાય કંઇ ન વધ્યું : મોટા રાજ્યોમાં તો કોંગ્રેસનું સૂરસૂરીયું

નવી દિલ્હી તા. ૨૩ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પ્રાથમિક ટ્રેન્ડોમાં એનડીએને ફરી એકવાર પ્રચંડ જનાદેશ મળવા જઇ રહ્યો છે. એકલા હાથે બીજેપી અંદાજે ૨૯૦ સીટો પર જીત નોંધાવતી નજરે આવી રહી છે. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ એવા રાજ્ય છે. જ્યાં બીજેપી કિલન સ્વીપ કરવાની સ્થિતિમાં છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ બંગાળમાં પણ બીજેપીને જબરદસ્ત સફળતા મળતી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત બીજેપીના દરેક દિગ્ગજ નેતા ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસની પાસે પંજાબ અને કેરળ સિવાય કંઇ વધ્યું નથી. કુલ ૧૮ રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકયું નથી.

ગુજરાત, રાજસ્થાન, જમ્મુ - કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઓડિશા, આંધ્રપ્રદેશ, અરૂણાચલ જેવા મોટા રાજ્યોમાં કોંગ્રેસના ખાતામાં એક પણ સીટ જતી જોવા મળી રહી નથી. યુપી અને બિહારથી કોંગ્રેસને ખૂબ જ આશા હતી પરંતુ તેના પર પણ પાણી ફરી વળ્યું.

એનડીએ અને બીજેપી બંનેનું પ્રદર્શન સુધર્યું છે. બીજેપીએ ૨૦૧૪ની ચૂંટણીમાં ૨૮૨ સીટ જીતી હતી. આ વખતે તે આંકડો ૩૦૦ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ ગયા વખતે એનડીએનો કુલ આંકડો ૩૩૬ હતો જે આ વખતે ૩૪૦ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના ખાતામાં આ વખતે ૫૧ સીટો તેના ખાતામાં જોવા મળી રહી. છેલ્લીવાર આ આંકડો ૪૪ હતો. કોંગ્રેસને સૌથી વધુ ૯ સીટો પંજાબથી મળતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કેરળમાં કોંગ્રેસ ગઠબંધન ૧૯ સીટો પર આગળ ચાલી રહ્યા છે.

યુપીમાં સપા - બસપા ગઠબંધનને મોટા - મોટા વાયદા કર્યા હતા પરંતુ તેઓ પણ મોદીની સુનામીને રોકવામાં અસફળ રહ્યા છે. યુપીની ૮૦માંથી તે ગઠબંધન અંદાજે ૧૫ સીટો પર વિજયી થતાં નજરે આવી રહ્યા છે.

કોંગ્રેસની યુપીમાં ખૂબ જ ખરાબ સ્થિતિ છે બની શકે કે ત્યાં રાહુલ ગાંધી હારી જાય કારણ કે બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાની સતત આગળ ચાલી રહ્યા છે. ત્યાંથી કોંગ્રેસને ફકત સોનિયા ગાંધી પાસેથી આશા છે.

પ્રિયંકા ગાંધીને બંધ મૂઠીમાં યુપીની જવાબદારી સોંપી હતી પરંતુ તેનો જાદુ પણ ફિક્કો પડયો. પ્રિયંકા પોતે તો ચુંટણી લડી નહી પરંતુ તેના કોઇ ઉમેદવારને પણ જીતાડી શકી નહી.

(4:22 pm IST)