Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૪ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છતાં સુપડા સાફ : મોદીનો જાદુ છવાયો

મ.પ્રદેશમાં શિવરાજનો વિધાનસભામાં નહી પણ લોકસભામાં દબદબો જાળવ્યો : રાજસ્થાનમાં પણ કોંગ્રેસ પાછળ : કર્ણાટકમાં ભાજપની લહેર : બંગાળમાં મમતાના ગઢના કાંગરા ખરી પડયા

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં મોદી લહેર છવાઈ છે. શરૂઆતના ટ્રેન્ડમાં જ એનડીએને બહુમત મળી ગયો છે. એનડીએ હાલમાં ૩૦૦ પ્લસ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. સૌથી વધારે ચોકાવનારા પરિણામો બંગાળમાંથી આવ્યા છે. જેમાં એકિઝટ પોલ પણ ખોટા પડ્યાં છે. હાલમાં ટીએમસી ૨૦ બેઠકો અને ભાજપ ૧૯ બેઠકો પર આગળ ચાલી રહી છે. બંગાળમાં મમતાના ગઢના કાંગરા ખરી પડ્યાં છે. કોંગ્રેસ આ ઇલેકશનમાં પ્લસમાં બેઠકો મેળવી રહી હોવા છતાં જયાં વિધાનસભામાં દબદબો જાળવી રાજયમાં પોતાનો દબદબો જાળવ્યો છે તે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો છે. રાજયમાં સત્તા હોવા છતાં અહીં લોકસભામાં પોતાનો દબદબો જાળવી શકયા નથી.કર્ણાટકમાં બીજેપી ૨૩ સીટો સાથે આગળ છે. જયાં ૬ સીટોનો ફાયદો થઈ રહ્યો છે. અહીં જેડીએસ અને કોંગ્રેસની સરકાર છે. અહીં કોંગ્રેસ ગઠબંધનનો જાદુ ચાલ્યો નથી. કર્ણાટકમાં ભાજપનો દબદબો જળવાયો છે. છત્તીસગઢમાં તો ભાજપનાં વિઘાનસભામાં સૂપડાં સાફ થઈ ગયાં હોવા છતાં અહીં ભાજપને ૭ સીટો મળી રહી છે. ભલે ૩ સીટોનું નુકસાન ગયું હોવા છતાં કોંગ્રેસને મોટો ફાયદો થયો નથી. કોંગ્રેસને અહીં ફાયદો થયો છે પણ ભાજપને મોટુ નુકસાન થયું નથી.

રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર છે. અહીં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. સ્થાનિકમાં સરકાર છતાં લોકોએ નારાજગી દેખાડી ભાજપને વોટ આપ્યા છે. રાજસ્થાનમાં ૨૩ સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. સ્થાનિક નેતાઓને ભલે પ્રજાએ સ્વીકાર્યા નથી પણ આજે પણ મોદી નેતૃત્વમાં લોકોને ભરોસો હોવાનું સાબિત થયું છે. આ જ સ્થિતિ મધ્ય પ્રદેશની છે. એમપીમાં કમલનાથનો જાદુ ચાલ્યો નથી. તેઓ દીકરાની સીટ પણ બચાવી શકયા નથી. અહીં બીજેપીને ૨૮ સીટો મળી રહી છે.

શિવરાજ વિધાનસભા બચાવી શકયા નથી પણ લોકસભામાં અહીં કોંગ્રેસ પાસેથી એક સીટ ગઈ છે. સ્થાનિકમાં સરકાર છતાં કમલનાથ કોઈ કરિશ્મા કરી શકયા નથી. આમ કોંગ્રેસને સૌથી મોટુ નુકસાન હિન્દી બેલ્ટમાં થયું છે. જયાંથી કોંગ્રેસને સૌથી વધારે આશા હતી તેવા આ ૪ રાજયોમાં ભાજપે કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં છે.

(11:54 am IST)