Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દુનિયાની સૌથી મોટી ચુંટણીનું સફળ આયોજન કર્યું ચુંટણી પંચે

અત્યંત દુર્ગમ વિસ્તારોમાં પણ કરાવ્યું મતદાન : ૧૦.૩૫ લાખથી વધારે મતદાન કેન્દ્ર

નવીદિલ્હી, તા.૨૩: લોકસભા ચુંટણી દરમ્યાન ચુંટણી પંચની કામગીરી પર ભલે પ્રશ્નો ઉઠતા રહયા હોય. વિપક્ષોએ તેના પર પક્ષપાતથી માંડીને ભાજપાની બી ટીમ તરીકે કામ કરવાના આક્ષેપ કર્યા હોય પણ ચુંટણી પંચે દુનિયાની સૌથી મોટી ચુંટણીનું આયોજન કરવાનું શ્રેય તેને આપવું જ પડે.

વિપક્ષોએ ઇવીએમમાં ધાલમેલના આક્ષેપો કરીને ૫૦ ટકા વીવીપેટ ચીઠ્ઠીઓ મેળવવાની માંગણી કરી હતી પણ પંચે ના પાડી દીધી હતી. આચાર સહિતા ભંગ કેસમાં વડાપ્રધાન મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહને કલીનચીટ આપવાના મુદ્દે પણ વિપક્ષોએ કાગારોળ કરી હતી.

આ ચુંટણીમાં અત્યંત દુર્ગમ વિસ્તારમાં પણ મતદાન કરાવવા માટેનું આયોજન પંચ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિમાચલ પ્રદેશના લાહોલ-સ્થિતીમાં ૧૧૨૫૬ ફુટની ઉંચાઇ પર આવેલ ટશીગંગ દુનિયાનું સૌથી ઉંચુ મતદાન કેન્દ્ર છે. ચુંટણી પંચે અહીં હેલીકોપ્ટરથી ઇવીએમ પહોચાડીને બરફ દુર કરીને રસ્તોઓ ચાલુ કર્યા અને મતદારોને બુથ સુધી લાવવાની યોગ્ય વ્યવસ્થા કરી હતી.

અરૂણાચલ પ્રદેશના મુકતો જીલ્લામાં આવેલ લુગુથાંગ મતદાન કેન્દ્ર ૧૩૫૮૩ ફુટની ઉંચાઇ પર છે. અહીં ૧૧ એપ્રિલે થયેલ ચુંટણીમાં ચુંટણી અધિકારીઓ પીઠ પર ઇવીએમ ઉપાડીને નદી પર બનેલો વાંસનો પુલ પસાર કરીને પહોંચ્યા હતા.

અરૂણાચલ પ્રદેશના જ સિયાંગ જીલ્લામાં સ્થિત ૩૪-મેસીગ મતદાન કેન્દ્ર સુધી પહોંચવાનું પણ અત્યંત અઘરૂ હતું. ચુંટણી અધિકારી અહીં પણ ઇવીએમને ખભા ઉપર ઉપાડીને પગપાળા જ કાબુંગ નદી પાર કરીને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.

(11:58 am IST)