Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મહાનાયકની મહાવાપસી અબ કી બાર ફીર મોદી સરકાર

દેશભરમાં મોદી મેજીક છવાયોઃ મોદીની સુનામીમાં તૃણમૂલ, બીજેડી, એનસીપી, સપા-બસપા તણાયાઃ ૩૫ વર્ષ બાદ દેશમાં સતત બીજી વખત બહુમતીવાળી સરકારઃ ૧૮ રાજ્યોમાં કોંગ્રેસનું ખાતુ જ ન ખુલ્યું: ભાજપ એકલા હાથે ૩૦૦ ઉપરઃ પ્રચંડ બહુમતીઃ કેન્દ્રમાં ફરી એનડીએ સરકાર રચાશેઃ વારાણસીમાં મોદીની જંગી સરસાઈઃ ગાંધીનગરમાં અમિત શાહ ૪ લાખથી વધુ મતોથી આગળઃ રાહુલ ગાંધી અમેઠીમાં પાછળઃ ૨૬મીએ મોદી સરકાર રચવા દાવો કરશેઃ આજે સાંજે ૬ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનઃ પ્રિયંકાનો જાદુ ન ચાલ્યોઃ રાહુલના રાફેલના રાગડા રેવડી બની ગયાઃ નકારાત્મકતા સામે હકારાત્મકતાનો વિજય

નવી દિલ્હી, તા. ૨૩ :. ૧૭મી લોકસભા માટે સાત તબક્કે યોજાયેલી લોકસભાની ચૂંટણીની મત ગણતરી આજે સવારે શરૂ થયા બાદ અત્યાર સુધી મળેલા મત ગણતરીના ટ્રેન્ડ અનુસાર દેશમાં વન્સ મોર મોદી સરકાર નિશ્ચિત થઈ ચૂકી છે. મહાનાયકની મહાવાપસી થઈ છે. અબ કી બાર ફરી મોદી સરકાર નારો હકીકત બન્યો છે. મોદીની સુનામીમાં વિપક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે. આ લખાય છે ત્યારે લોકસભાની ૫૪૨ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ભાજપ ૩૦૧, શિવસેના ૧૮, જેડીયુ ૧૬, અન્ના ડીએમકે ૨ અને અન્ય ૧૫ બેઠકો પર આગળ છે. આમ એનડીએ ૩૫૨ બેઠકો પર આગળ છે. જ્યારે યુપીએમાં કોંગ્રેસ ૫૨, ડીએમકે ૨૨, રાજદ ૦, એનસીપી ૪ અને અન્ય ૭ બેઠક પર આગળ છે. ૨૦૧૪ના મુકાબલે પીએમ મોદીને આ વખતે લોકોનો પ્રેમ વધુ મળ્યો છે. તેઓ ફરી સરકાર રચવા જઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આજે સાંજે ૬ વાગ્યે તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને ૨૬મીએ તેઓ સરકાર રચવાનો દાવો કરશે. ભાજપને પ્રચંડ બહુમતી મળતા દેશભરમાં જશ્નનો  માહોલ છવાયો છે. મોદીની આંધીમાં વિપક્ષના અનેક દિગ્ગજોના સુપડા સાફ થઈ ગયા છે. ૧૮ રાજ્યોમાં તો કોંગ્રેસનું ખાતુ જ નથી ખુલ્યુ. જ્યારે અમેઠી બેઠક ઉપરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાછળ ચાલી રહ્યા છે. ભાજપને યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, ગોવા સહિતના રાજ્યોમાં જંગી સરસાઈ મળે તેવી શકયતા છે.

વારાણસીથી વડાપ્રધાન મોદી જંગી બહુમતીથી આગળ ચાલી રહ્યા છે જ્યારે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ અડવાણીનો રેકોર્ડ તોડીને જંગી સરસાઈ તરફ આગળ ધપી રહ્યા છે. દેશના અનેક હિસ્સામાં ભાજપે કલીનસ્વીપ કરી દીધેલ છે. ચોંટ ભલે કોંગ્રેસને પહોેંચી હોય પરંતુ સુનામીથી સૌથી વધુ દર્દ પ્રાદેશિક પક્ષોને થયુ છે કારણ કે ભાજપે આ વખતે એ જગ્યાએ વાર કર્યો છે જ્યાં તૃણમૂલ, બીજેડી, એનસીપી, સપા-બસપા મજબુત હતા. મોદીની આંધીમાં આ બધા ઉડી ગયા છે.

અમિત શાહે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે આ વખતે ભાજપ બંગાળમાં ૨૩થી વધુ બેઠકો લાવશે. અત્યાર સુધી મળેલા ટ્રેન્ડ મુજબ ભાજપ આ ટાર્ગેટ પુરો કરી લ્યે તેવી શકયતા છે. ભાજપે વોટશેર પણ વધાર્યો છે. એટલુ જ નહી ઓડીસામાં પણ ભાજપે કેસરીયા કર્યા છે. ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેષે મહાગઠબંધન રચ્યુ હતુ. ૨૫ વર્ષની દુશ્મની ભુલી એક થયા હતા અને વડાપ્રધાન બનવાના સપના જોયા હતા પરંતુ ન જાતિનું જોર ચાલ્યુ, ન તેમની રણનીતિ કામ લાગી, કામ લાગ્યુ માત્ર મોદીનું મેજીક. ભાજપ ત્યાં ૫૫ બેઠક પર આગળ ચાલે છે. એટલે કે જે દાવા થયા હતા તે ખોટા સાબિત થયા હતા.

મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસને પછડાટ સહન કરવી પડી છે. ૪૮ બેઠકોવાળા રાજ્યમાં ભાજપ-શિવસેનાની જોડી ૪૪ બેઠકો પર વિજય મેળવવા તરફ આગેકૂચ કરી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ગયા છે. સાતેય બેઠક ઉપર ભાજપ આગળ છે. બિહારમાં લાલુના પક્ષને તમાચો પડયો છે. એક પણ બેઠક પર આગળ નથી ત્યાં ભાજપ અને જેડીયુનુ ગઠબંધન સટાસટી બોલાવી રહ્યુ છે.

ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહુમતી મેળવી લીધી છે. ઈતિહાસમાં પ્રથમ વખત પ્રચંડ બહુમતી સાથે બીજી વખત બીનકોંગ્રેસી સરકાર રચવા જઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના દિગ્વીજયસિંહ, શત્રુઘ્ન સિન્હા પાછળ ચાલી રહ્યા છે. સીપીઆઈના કનૈયાકુમાર પણ પાછળ છે.

(3:15 pm IST)
  • આંધ્રમાં મોટો સેટબેક ચંદ્રાબાબુનો સફાયો... : આંધ્રની વિધાનસભામાં અને લોકસભામાં ''વાયએસઆરસીપી'' (યુવા જન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી)એ પ્રચંડ બહુમતી મેળવી ચંદ્રાબાબુ અને તેના તેલુગુ દેશમ પક્ષનો પૂર્ણ સફાયોઃ વાયએસઆરસીપી પક્ષને લોકસભાની ૨૬માંથી ૨૫ બેઠક મળીઃ વિધાનસભામાં આ પક્ષને ૧૭૫માંથી ૧૫૦ બેઠક મળી છે access_time 1:02 pm IST

  • ગાંધીનગરમાંથી અમિતભાઇ શાહની જીતઃ જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઇ પટેલની પણ જીત access_time 2:05 pm IST

  • અમેઠીમાં કોંગી પ્રમુખ રાહુલ ગાંધીનો નામોશીભર્યો પરાજય: સ્મૃતિ ઈરાનીએ ઇતિહાસ સર્જ્યો: કોંગ્રેસ આઘાતમાં ગરકાવ access_time 5:49 pm IST