Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરક્ષામાં વધારો કરાયો

ફિલ્મ 'નરેન્દ્ર મોદી'ને લઇને નકસલીઓએ વિવેક ઓબેરોયને મારી નાખવાની ધમકી આપી

મુંબઈ તા. ૨૩ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ 'નરેન્દ્ર મોદી'માં વિવેક ઓબેરોયે લીડ રોડ પ્લે કર્યો છે. આ ફિલ્મ તેના પોસ્ટરથી વિવાદમાં રહી છે. હવે આ ફિલ્મને લઈને વિવેક ઓબેરોયને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એએનઆઈના રીપોર્ટના જણાવ્યા અનુસાર નકસલીઓ તરફથી વિવેક ઓબેરોયને આ ધમકી મળી હતી. ફિલ્મને લઈને આ ધમકી મળી હોવાનું વિવેકે સ્પષ્ટ કર્યું હતું.

 

આ ઘટના સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત યોગ્ય દિશામાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મના સ્ક્રિનિંગ વખતે પણ કલાકારને કડક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. બુધવારે બોલિવૂડના કેટલાક કલાકારો માટે સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ તેમના સમર્થકોમાં પણ એક ચિંતાની લાગણી જોવા મળી હતી.

મુંબઈ પોલીસે વિવેક ઓબેરોયના ઘરની મુલાકાત પણ લીધી હતી અને આ કેસ સંબંધીત પૂછપરછ પણ શરૂ કરી હતી. વડા પ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ તા. ૨૪ મેના રોજ રીલિઝ થઈ રહી છે. વિવેકને મળેલી ધમકી પરથી સ્પષ્ટ થાય છે કે, કેટલાક તત્ત્વનો એવું નથી ઈચ્છતા કે ફિલ્મ રીલિઝ થાય. તેથી કલાકારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હશે. આ પહેલા વિવેક એકિઝટ પોલના ટ્વિટને લઈને વિવાદમાં મૂકાયો હતો.

આ ટ્વિટને લઈને મહિલા આયોગે વિવેક ઓબેરોય સામે કાયદેસરની નોટીસ ફટકારી છે. આયોગે કહ્યું હતું કે, પોતે પોસ્ટ કરેલા પોસ્ટર્સને લઈને અભિનેતા માફી માગે. જોકે, પછીથી વિવેક ઓબેરોયે આ ટ્વિટ ડીલિટ કરી નાંખી હતી.(૨૧.૪)

(9:31 am IST)