Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોંઘવારીથી મંદી સુધી

નવી સરકાર સામે ઉભા છે મોટા આર્થિક પડકારો

નવી દિલ્હી તા. ૨૩ : સત્તામાં જે પણ આવશે, તેને મોંઘવારીથી લઈને મંદી સુધી ઘણા પડકારોનો સામનો કરવાનો આવશે.

મોદી સરકારને ૨૦૧૪થી ૨૦૧૯ સુધી મોંઘવારીના મોરચે કોઈ મુશ્કેલી નથી પડી. ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ ઓછા રહ્યા, પરંતુ આગામી સરકારમાં એવું નહીં થાય, કેમકે તેની કિંમત વધવા લાગી છે. પશ્ચિમ એશિયાની ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિને કારણે ક્રૂડના ભાવમાં ભડકો થઈ શકે છે, તો તાજેતરમાં જ બહાર આવેલા આંકડા દર્શાવે છેકે ,લાંબા સમય સુધી નરમાશ બાદ ખાદ્ય પદાર્થોના હોલસેલ ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ડિમાન્ડમાં સુસ્તી

આગામી સરકાર માટે બીજો એક મોટો પડકાર ડિમાન્ડમાં ઘટાડાને કારણે આવનારી આર્થિક સુસ્તી થશે. એફએમસીજીથી લઈને પેસેન્જર વ્હીકલ સુધી કન્ઝુમર ડિમાન્ડમાં ઘટાડાથી ઈકોનોમીને મોટો ઝટકો લાગ્યો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, ૨૦૧૮ના છેલ્લા ત્રણ મહિનામાં એફએમસીજી સેકટરનો વૃદ્ઘિ દર ૧૬ ટકા હતો અને આ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ઘટીને ૧૩.૬ ટકા રહી ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી વસ્તુઓના વેચાણમાં સૌથી વધારો ઘટાડો આવ્યો છે.

જીડીપીમાં ઘટાડો

૩૧મી મેએ જીડીપીના સત્તાવાર આંકડા જાહેર થશે, જેમાં ચોથા કવાર્ટરના આંકડા ત્રીજા કવાર્ટરમાં નોંધાયેલા ૬.૬ ટકાથી પણ ઓછા રહેવાનો અંદાજ છે. આર્થિક મંદીનો નાણા મંત્રાલયના માસિક રિપોર્ટમાં પણ સ્વીકાર કરાયો છે. તેમાં કહેવાયું છે કે, 'ગત વર્ષની ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી અંગત ઉપયોગમાં ઘટાડાને કારણે છે. રોકાણ અને નિકાસમાં ધીમો વધારો થયો છે.' ઉપયોગ વૃદ્ઘિ (ભારતીય જીડીપીનો લગભગ ૬૦ ટકા ભાગ)માં નબળાઈ વર્તમાન વર્ષમાં પણ રહી શકાય છે. તેનો એક સંબંધ NBFC અને HFC સેકટરમાં લિકિવડિટી સંકટ પણ છે.

મેન્યુફેકચરીંગમાં ઘટાડો

મેન્યુફેકચરિંગ સેકટરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન માર્ચમાં ૨૧ મહિનાના નીચલા સ્તર (-) ૦.૧ પર આવી ગયું.

રોજગારીનું સંકટ

આર્થિક સુસ્તીને કારણે આગામી સરકારને રોજગારીના મોરચે પણ પડકારનો સામનો કરવો પડશે. રોજગારના મુદ્દાએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને સત્તા અપાવી, પરંતુ રોજગારીના સંકટને લઈને વિપક્ષ સતત તેના પર હુમલા કરતો રહ્યો. આર્થિક મંદીથી રોજગારના નવી તકો ઓછી ઊભી થશે.

ટેકસબેસમાં વધારો

આગામી સરકારને રાજસ્વ વધારવા માટે ઘણું જોર લગાવવું પડશે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડાયરેકટ ઈનકમ સપોર્ટનું વચન આપ્યું છે. એવા સમયમાં જયારે અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો છે અને જીએસટી સુધારની પ્રક્રિયામાં છે, આગામી સરકારને રેવન્યુ કલેકશન વધારવા માટે સંઘર્ષ કરવો પડશે, જેથી રોકડ પહેંચવાની સ્કીમને ચલાવી શકે. વિનિવેશ અને નવા સ્પેકટ્રમ નિલામીથી સરકાર કેટલીક રકમ ભેગી કરી શકે છે.

(11:15 am IST)