Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

તમામ વિરોધ પક્ષ જનાદેશનું અપમાન કરી રહ્યા છે : અમિત શાહ

વિપક્ષ સમક્ષ છ પ્રશ્નો અમિત શાહે રજૂ કર્યા : ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટના હુકમની અવગણના થઇ

નવીદિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણીના પરિણામ આવવામાં એક જ દિવસનો સમય રહ્યો છે ત્યારે ઇવીએમ ઉપર ભારે હોબાળો મચી ગયો છે જેનો અંત આવી રહ્યો નથી. આ હોબાળાની વચ્ચે ભાજપ પ્રમુખ અમિત શાહે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે ઇવીએમ ઉપર મચેલા હોબાળાને ફગાવી દઇને કહ્યું છે કે, હોબાળો કરનાર લોકો જનાદેશનું અપમાન કરી રહ્યા છે. સોશિયલ મિડિયા ઉપર વિપક્ષી દળો સમક્ષ અમિત શાહ છ પ્રશ્નો કર્યા હતા અને કહ્યું છે કે, ૨૨ પક્ષો હતાશામાં આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે. ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવનાર મોટાભાગની પાર્ટીઓ ક્યારેક ક્યારેક ઇવીએમ ઉપર યોજાયેલી ચૂંટણીમાં જીતી ચુકી છે. જો તેમને ઇવીએમ ઉપર વિશ્વાસ નથી તો જ્યારે તેમની જીત થઇ હતી ત્યારે કેમ પ્રશ્નો કરવામાં આવ્યા ન હતા. દરેક વિધાનસભા ક્ષેત્રમાં પાંચ વીવીપેટને ગણવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પણ કરી દીધો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના આદેશને પણ પાળવામાં વિરોધ પક્ષો અડચણ ઉભી કરી રહ્યા છે. મતગણતરીના બે દિવસ પહેલા જ ૨૨ પક્ષો તરફથી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવાની માંગ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કારણ કે, આવો કોઇપણ નિર્ણય તમામ પક્ષો સાથે બેસીને જ કરી શકે છે. અમિત શાહે એમ પણ કહ્યું છે કે, ઇવીએમ ઉપર હોબાળાની શરૂઆત છ તબક્કાના મતદાન બાદ જ શરૂ થઇ ગઈ હતી. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ હોબાળો વધુ થઇ ગયો છે. ઇવીએમમાં અનિયમિતતાને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, ચૂંટણી પંચે જાહેરરીતે પડકાર ફેંકીને ઇવીએમના પ્રદર્શન માટે મંચ યોજ્યો હતો પરંતુ એ ગાળામાં કોઇ રાજકીય પક્ષો આગળ આવ્યા ન હતા. વીવીપેટનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે, મતદાન થયા બાદ મતદાર જોઈ શકે છે કે, તેના મત કોના ખાતામાં પડ્યા છે. આવી સ્થિતિમાં પ્રક્રિયા પારદર્શક છે.

(12:00 am IST)