Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તુતીકોરિન હિંસા : સ્ટરલાઇટ પ્લાન્ટના વિસ્તરણ પર હવે સ્ટે

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે ચુકાદો આપ્યોઃ હિંસામાં ૧૧ લોકોના મોત અને ૬૫ લોકો ઘાયલ થયાના એક દિવસ બાદ હાઈકોર્ટે કન્સ્ટ્રક્શનપર સ્ટે મુકી દીધો

નવીદિલ્હી,તા. ૨૩, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઇ બેંચે આજે સ્ટરલાઈટ ઇન્ડસ્ટ્રી દ્વારા નવા કોપર સ્મેલ્ટરના નિર્માણને બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. બીજી બાજુ આજે સતત બીજા દિવસે પણ હિંસક પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. આ મામલામાં હવે બે ફિલ્મ સ્ટાર રજનીકાંત અને કમલ હસન પણ ઉતરી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી અહીં વ્યાપક રક્તપાતનો દોર પણ થયો છે. તુતીકોરિન વિરોધ પ્રદર્શનનો મામલો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે આજે સ્ટરલાઈટના વિસ્તરણ ઉપર સ્ટે મુકી દીધો હતો. આજની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પ્લાન્ટમાં વિસ્તરણ કામગીરીમાં બ્રેક મુકવાનો આદેશ જારી કર્યો હતો. આ મામલાની જાહેરમાં સુનાવણી કરવામાં આવ્યા બાદ આ ચુકાદો જારી કરવામાં આવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટના આદેશ મુજબ જ યુનિટની આસપાસના વિસ્તારોમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, પ્રદૂષણને લઇને તુતીકોરિન ખાતે સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવાની માંગણીને લઇને ભારે વિરોધ પ્રદર્શન જારી રહ્યો છે. ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે. ૬૫થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે પણ સ્થિતિ વિસ્ફોટક રહી હતી. અત્રે નોંધનીય છે કે, સ્ટરલાઇટથી થનાર પ્રદૂષણને ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો છેલ્લા ઘણા મહિનાથી સ્ટરલાઈટ કોપર યુનિટનો વિરોધ કરી રહ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટરલાઈટ કોપર યુનિટને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે. ગઇકાલે મંગળવારના દિવસે યુનિટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી ભીડ અચાનક ઉગ્ર બની ગઈ હતી અને સુરક્ષા કર્મીઓ સાથે મારામારી કરવામાં આવી હતી. લોકોએ પોલીસના અનેક વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસે સ્થિતિ બગડવાની સ્થિતિને ધ્યાનમાં લેતા ટીયરગેસના સેલ છોડ્યા હતા જેથી ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં ૨૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. નારાજ થયેલા લોકોએ અનેક વાહનોને આગચાંપી દીધી હતી. તમિળનાડુ સરકાર પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવારના સભ્યોને ૧૦ લાખ રૃપિયા આપવાની જાહેરાત કરી ચુકી છે.  સરકારી નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે લોકો ૧૦૦ દિવસથી પણ વધુ સમયથી દેખાવો કરી રહ્યા હતા. ગઇકાલે હિંસા દરમિયાન દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. પહેલા તો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ ટોળા ઉપર તેની કોઇ અસર ન થતાં ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા ત્યારે દેખાવકારોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

 

(9:55 pm IST)