Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સ્થાયી શાંતિની અનુભૂતિ નિવૃત્તિની ક્ષણોમાં જ થાય છે : સમણ શ્રુતપ્રજ્ઞજી

અમેરિકાના ક્લિવલેન્ડ ( ઓહાયો ) માં સમણ શ્રુતપ્રજ્ઞજી ની શિબિર અને પ્રવચનો

અમેરિકા તા. 17 થી 20 મે સુધી  સમણ શ્રુતપ્રજ્ઞજી અમેરિકાના ક્લિવલેન્ડ શહેરમાં રોકાયા હતા. ત્યાંના જૈન સમાજના આમંત્રણ પર એમને ચાર દિવસ સુધી પ્રવચનો આપ્યા હતા અને ધ્યાન યોગની શિબિર પણ કરાવી હતી. સમણજીએ માનસિક શાંતિ વિષય પર બોલતા કહ્યું હતું કે' આત્માનો સ્વભાવ શાંતિ છે અને મનનો સ્વભાવ અશાંતિ છે. મન શાંતિનું વિરોધી છે. એટલે જ મન સદા વ્યક્તિને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે. સારી કે ખરાબ કોઈ પણ પ્રવૃત્તિ મનને દોડાવે રાખે છે. પ્રવૃત્તિમાં શાંતિ સંભવ નથી. શાંતિનો માર્ગ નિવૃત્તિ થકી ખૂલે છે. નિવૃત્તિ શૂન્ય પ્રવૃત્તિ વિકૃતિનું કારણ બને છે. ધ્યાન નિવૃત્તિ તરફ લઇ જનાર સાધના છે. નિવૃત્તિ એટલે પોતાના તરફથી શરીર, વાણી અને મનની કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી, આંખ બંધ કરીને માત્ર જે પ્રવૃત્તિ સહજ રીતે થઇ રહી છે તેને જોવાનો અભ્યાસ કરવો એ નિવૃત્તિની સાધના છે. ભગવાન મહાવીર બાર વર્ષથી વધુ તન - મન અને વચનની નિવૃત્તિમાં રહ્યા અને પછી દુનિયાને અલૌકિક જ્ઞાનનું દાન કર્યું. 24 કલાકમાં 10-15 મિનિટ જો આ સાક્ષીભાવે જોવાની સાધના કરવામાં આવે તો અનેક દિવ્ય આંતરિક શક્તિઓનું ઉદ્દઘાટન થઇ શકે. નિવૃત્તિમાંથી પાંગરતી પ્રવૃત્તિ જ નવી સંસ્કૃતિનું સર્જન કરે છે.'


ક્લિવલેન્ડના જૈન કેન્દ્રમાં સમણજીએ મૈત્રીભાવ, પ્રમદભાવ,કરુણાભાવ અને માધ્યસ્થભાવ પર પ્રવચનો આપ્યા હતા. શ્રાવકોના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. સમણજી ભારતીબેન અને હસમુખ ભાઈના ઘેર રોકાયા હતા. સંઘ પ્રમુખ સંકેત દોશીએ સમણજીનો પરિચય આપી સ્વાગત કર્યું હતું. વિશેષ બેઠકમાં સમણજીએ વૃદ્ધાવસ્થામાં કેમ જીવવું, ધ્યાન કેવી રીતે કરવું અને આધ્યાત્મિક જાગૃતિ લાવી શાંતિની અનુભૂતિ કેમ કરવી - એ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. અનેક લોકોએ સમણજી દ્વારા લિખિત પુસ્તકો અને પ્રવચનોની પેન ડ્રાઈવ ખરીદી હતી. અહીંથી સમણજી કેન્સાસ રાજ્યના વિચિતા અને કેન્સાસ સિટીમાં ચાર દિવસ ધર્મલાભ આપ્યો હતો. વિચિતાના અને કેન્સાસ સિટીના હિન્દૂ મંદિરમાં એમને આધ્યાત્મિક વિષયો પર લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તૃપ્તિબેન - નિલેશભાઈ શેઠ, રાજુભાઈ શેઠ અને સુરભિબેન દોશીએ આ આયોજનમાં સહયોગ કર્યો હતો.

(12:53 pm IST)