Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સલમાનની 'લવરાત્રી' ફિલ્મ બતાવવા નહિ દેવાય

'નવરાત્રી' જેવું જ નામ ધરાવતી ફિલ્મથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશેઃ વિશ્વ હિન્દુ પરિષદઃ ૫ ઓકટોબરે રીલીઝ થવાની છેઃ ગુજરાતનું બેકગ્રાઉન્ડઃ નવરાત્રી પણ ત્યારે જ આવે છે

મુંબઈ, તા. ૨૩ :. સલમાનની 'લવરાત્રી' પ્રદર્શિત નહીં થવા દેવાય. નવરાત્રી જેવું જ નામ ધરાવતી ફિલ્મથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયુ છે. ૫ ઓકટોબરે રીલીઝ થવાની છે. ગુજરાતનું બેકગ્રાઉન્ડ નવરાત્રી પણ ત્યારે જ આવે છે.

 

વિશ્વ હિન્દુ પરિષદે આજે કહ્યુ છે કે, સલમાન ખાનની ફિલ્મ લવરાત્રીનું નામ હિન્દુઓના ધાર્મિક તહેવારને મળતુ આવતુ હોવાથી તેને પ્રદર્શિત નહીં થવા દેવાય. વી.એચ.પી.ના વર્કીંગ પ્રેસીડેન્ટ આલોકકુમારે અમે નથી ઈચ્છતા કે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય.

રીપોર્ટરો સાથે વાત કરતા શ્રી કુમારે કહ્યુ કે ફિલ્મ નવરાત્રીના પૃષ્ઠભૂમિ પર બનાવાયેલ છે અને તેના નામને ખરાબ કરે છે. નવરાત્રી જે દુર્ગાના નવ અવતારની પૂજા માટે નવ દિવસનો તહેવાર છે અને ભારતના જુદા જુદા ભાગમાં ખાસ કરીને ગુજરાતમાં પ્રખ્યાત છે.

નવરાત્રીની ઉજવણીના સમય દરમ્યાન એટલે કે ૫ ઓકટોબરના રોજ લવરાત્રી રીલીઝ થવાની છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બીજી સંસ્થાઓના વિરોધનો સામનો ઘણી ફિલ્મોએ કરવો પડયો છે અને તેમાની ઘણી ફિલ્મોએ બીજા ફેરફારોની સાથે નામમા પણ ફેરફાર કરવો પડયો છે. દિપિકા પાદુકોણ અભિનિત પદ્માવતી નામ ફેરવીને પદ્માવત રખાયેલું.

સલમાનની ફિલ્મ સુલતાન અને શાહરૂખની ફિલ્મ ફેનના આસિ. ડાયરેકટર અભિરાજ મીનાવાલાની ડાયરેકટર તરીકે આ પહેલી જ ફિલ્મ છે.

સલમાન તેના બનેવી આયુષ શર્મા અને વારીનાને આ ફિલ્મમાં પહેલીવાર લોંચ કરી રહ્યો છે.

શ્રી કુમાર વી.એચ.પી.ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પહેલી જ વાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કુમારે કહ્યુ કે વી.એચ.પી. ૧૯૬૪થી સામાજીક સુસંગતતા, કૌટુંબીક બાબતો, રામ મંદિર જેવા અનેક મુદ્દાઓ પર કામ કરી રહી છે.(૨-૭)

(11:48 am IST)