Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તામિલનાડુમાં આંદોલન કરનારને ઠાર મારવા એ રાજ્ય પ્રેરીત ત્રાસવાદ : રાહુલ

તામિલનાડુના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામીએ કહ્યું કે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે

નવી દિલ્હી તા. ૨૩ : તામિલનાડુમાં સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટનો વિરોધ કરનાર પર પોલીસે કરેલા ગોળીબારમાં નવ વ્યકિતના મોત થયા એના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આંદોલન કરનારને ઠાર મારવા એ રાજય પ્રેરીત ત્રાસવાદનું ક્રુર ઉદાહરણ છે.  રાહુલે ટ્વીટર પર પોતાનો મત વ્યકત કરતા જણાવ્યું હતું કે અન્યાયનો વિરોધ કરનાર લોકોની ટુટીકોરીનમાં હત્યા કરવામાં આવી હતી. એ શહીદો અને ઘાયલોના કુટુંબીઓ માટે હું પ્રાર્થના કરું છું.      તામિલનાડુના મુખ્ય પ્રધાન કે પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે ટુટીકોરીનમાં પોલીસે લીધેલા પગલાં દરમિયાન નવ વ્યકિતના મોત થયા હતા અને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ચેન્નઇથી ૬૦૦ કિ.મી. દૂર આવેલા વેદાન્તાની સ્ટર્લાઇટ કોપર યુનિટને પર્યાવરણને મામલે બંધ કરવા માટે મહિનાઓથી વિરોધ થઇ રહ્યો છે અને પોલીસ એના પર ધ્યાન રાખી રહી હતી. અચાનક આંદોલન હિંસક બન્યું હતું અને આંદોલકો પોલીસ સાથે હિંસા પર ઉતરી આવ્યા બાદ પોલીસે ગોળીબાર કર્યો હતો.

શહેરમાં આંદોલકોએ પથ્થરો ફેંકયા હતા, સરકાર વાહનો અને જાહેર સંપત્ત્િ।ને આગ ચાંપી હતી તથા હિંસા પર ઉતરી આવ્યા હતા.(૨૧.૯)

(11:43 am IST)