Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ : સસ્પેન્સનો અંત

કર્ણાટકમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જી પરમેશ્વરે પણ શપથ લીધાઃ કર્ણાટકમાં વિધાનસભા ભવનમાં અનેક દિગ્ગજોની ઉપસ્થિતિમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ હોદ્દા-ગુપ્તતાના શપથ લેવડાવ્યા : ભાજપ દ્વારા બહિષ્કાર

બેંગ્લોર,તા. ૨૩: કર્ણાટકમાં હાઈડ્રામા અને પાવરબ્રોકિંગનો દોર અનેક દિવસ સુધી ચાલ્યા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટકના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કોંગ્રેસના રાજ્યપ્રમુખ જી પરમેશ્વરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ બેંગ્લોરમાં આયોજિત શપથગ્રહણ કાર્યક્રમમાં બંનેને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણને હાઈપ્રોફાઇલ બનાવવા માટે તમામ પ્રયાસ થયા હતા. કર્ણાટકમાં સત્તા સંઘર્ષ વચ્ચે ભાજપે શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. યેદીયુરપ્પાએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સત્તાની ભુખ અને લાલચના આધાર પર બનાવવામાં આવેલી આ સરકાર ત્રણ મહિનાથી વધારે ચાલી શકશે નહીં. ૧૯મી મેના દિવસે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદીયુરપ્પાને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. વોકાલિગા સમુદાયના વરિષ્ઠ નેતા ૫૮ વર્ષીય કુમારસ્વામીનું કહેવું છે કે, સરકાર સામાન્ય લોકોના હિતમાં કામ કરશે. ૨૦૦૭ બાદથી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે તેમની આ બીજી અવધિ છે. તે વખતે તેઓ ૨૦ મહિના સુધી આ હોદ્દો જાળવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળીને તેમની સાથે વાત કરી હતી. આ ગાળા દરમિયાન રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુમારસ્વામી પહેલા જ કહી ચુક્યા છે કે કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે સત્તા વહેંચણીને લઈને કોઈ સમજૂતિ કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓએ વાતચીત કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ઈચ્છતા હતી. જેથી દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહી ચુક્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને શપથ ગ્રહણમાં હાજરી આપનાર છે. સોમવારના દિવસે સોનિયા ગાંધીને મળ્યા બાદ જેડીએસના નેતા દાનિશ અલી અને કોંગ્રેસના કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ અને ગુલામનબીએ કર્ણાટકના વર્તમાન ઘટનાક્રમ ઉપર રાહુલ ગાંધીને માહિતી આપી હતી.કર્ણાટકમાં હાલમાં ભારે ઉથલપાથલ રહી હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ઇજ્જત બચાવવા માટે તમામ તાકાત મેદાનમાં લગાવી હતી. છેલ્લી ઘણી ચૂંટણીઓથી કોંગ્રેસ પાર્ટીની સતત હાર થઇ રહી હતી. આવી સ્થિતિમાં કર્ણાટક હાથમાં નિકળી જવાની સ્થિતિમાં તેની સામે ખુબ જટિલ સ્થિતિ ઉભી થનાર હતી જેના પરિણામ સ્વરુપે હવે કર્ણાટકમાં જેડીએસ સાથે હાથ મિલાવીને સત્તા કોઇ રીતે જાળવી રાખવામાં સફળતા હાસલ કરી લીધી છે. કુમારસ્વામીએ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વિકારી લીધું હતું. રાહુલે કહ્યું છે કે, તેમની વચ્ચે કર્ણાટકના રાજકારણની સાથે સાથે અન્ય અનેક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઇ છે.

કર્ણાટકમાં હાઇડ્રામાની સ્થિતિ વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોઇ પાર્ટીને બહુમતિ મળી ન હતી. ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ૧૦૪ સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ અને જેડીએસને ક્રમશઃ ૭૮ અને ૩૭ સીટો મળી હતી. યેદીયુરપ્પાએ સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ તેમની શપથવિધિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ભારે હાઈડ્રામાની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં આખીરાત સુનાવણી ચાલી હતી ત્યારબાદ યેદીયુરપ્પાને ૨૪ કલાકમાં બહુમતિ પુરવાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. યેદીયુરપ્પા આમા નિષ્ફળ ગયા હતા અને ૫૫ કલાક સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ રાજીનામું આપ્યું હતું. આની સાથે જ જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધનના સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.

 

(7:58 pm IST)