Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોપર પ્લાન્ટના વિરોધમાં તામીલનાડુમાં ગઈકાલે થયેલ

તુતીકોરીન હિંસામાં વધુ એકનું મોતઃ મૃતાંક ૧૨ : ૬૦થી વધુ ઘાયલ

બેંગલુરૂ,તા.૨૩: તામિલનાડુમાં તુતુકોરીનમાં સ્ટલાઈટ કોપર પ્લાન્ટના વિરોધમાં નિકળેલી રેલી હિંસક બનતાં પોલીસના ગોળીબાર અને લાઠીચાર્જમાં ગઈકાલે ૧૧ લોકોનાં મોત થયાં હતાં અને સેંકડો દેખાવકારોને ઈજા પહોંચી હતી, જેમાંના ચારની સ્થિતિ ગંભીર છે. પ્લાન્ટનો વિરોધ કરી રહેલાં સ્થાનિકોએ હિંસા આચરતાં પોલીસનાં વાહનો અને સંખ્યાબંધ ખાનગી વાહનોને આગ ચાંપી નુકશાન પહોંચાડયું હતું.

તંત્ર દ્વારા તુતુકોરીનમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી હોવા છતા તેનું ઉલ્લંઘન કરી સ્થાનિકો દ્વારા મોટી રેલીનું આયોજન કરાયું હતું. કેટલાંક તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરાતાં હિંસા ભડકી હતી. અગાઉ કલેકટર એન. વેંકટેશે શહેરમાં પાંચ કરતાં વધુ લોકોનાં એકત્ર થવા પર, રેલી- જાહેરસભા અને સરઘસનાં આયોજન, ઘાતક શસ્ત્રો લઈ જવા અને અન્ય જિલ્લામાંથી લોકોને લઈ આવતાં વાહનો પર પ્રતિબંધ લાદી દીધો હતો. પોલીસની ચેતવણી છતાં રેલીમાં સામેલ દેખાવકારો કલેકટરની કચેરી સમક્ષ ધસી જઈ પથ્થરમારો કરતા જેને પગલે પોલીસે ટોળાને વિખેરવા પહેલાં લાઠીચાર્જ કર્યો હતો. પરંતુ હિંસા ઉગ્ર બનતાં પોલીસે ટિયરગેસના સેલ છોડવા અને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સ્થિતી વધુ વણસે નહીં તે માટે શહેરમાં ૨,૫૦૦ કરતાં વધુ સુરક્ષા જવાન તહેનાત કરી દેવાય હતા. આજે ઘાયલોમાના વધુ એક વ્યકિતનું મૃત્યુ થતા મૃતાંક ૧૨ થયો છે. જયારે ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

(2:58 pm IST)