Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

આજે પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટે તેવી સંભાવના

લોકઆક્રોશ સામે સરકાર ગભરાઇ ગઇ : સાંજે પાંચ વાગ્યે મહત્વની જાહેરાત થઇ શકે છે

નવી દિલ્હી તા. ૨૨ : સામાન્ય પ્રજાને પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો પર મોટી રાહત મળવાની શકયતા છે. બપોરે ૩.૩૦ વાગ્યે ઇન્ડિયન ઓઇલએ પત્રકાર પરીષદ યોજશે. આ પત્રકાર પરીષદ બાદ સાંજે ૫ વાગ્યે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેલ કંપનીઓના ચેરમેન સાથે બેઠક કરશે. આ બેઠકમાં સરકાર એકસાઇઝ ડયુટી અને વેટ ઘટાડવા અંગે મોટુ એલાન કરશે.

તેલ કંપનીઓ સતત નવ દિવસથી પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ ૮૪ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. બીજીબાજુ ડિઝલના ભાવ પણ ૭૨ રૂપિયાની ઉપર ગયો છે.

કર્ણાટકની ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના બેફામ વધી રહેલા ભાવ સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે, ત્યારે સરકાર પણ હવે રહી-રહીને જાગી હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી સરકાર કહી રહી હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં તેનો કોઈ રોલ નથી, જોકે હવે જાણવા મળી રહ્યું છે કે, સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં દખલ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સરકારની માલિકીની ઓઈલ કંપનીઓના અધ્યક્ષો સાથે મુલાકાત કરી શકે છે, અને આ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી શકયતા છે. જોકે, આ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ. મહત્વનું છે કે, પેટ્રોલની કિંમત આજે અમદાવાદમાં ૭૫.૯૪ રુપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે, જયારે ડીઝલ પણ ૭૨.૮૮ રુપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવાનું કારણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થતો વધારો હોવાનું કહેવાય છે. જોકે, હકીકત એ છે કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અડધોઅડધ તો જુદા-જુદા પ્રકારના ટેકસ હોય છે. જેના કારણે સામાન્ય લોકોને બમણા ભાવે પેટ્રોલ-ડીઝલ ખરીદવા પડે છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજથી ત્રણ-ચાર વર્ષ પહેલા ક્રુડના ભાવ તળિયે હતા ત્યારે સરકારે પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ ડ્યૂટીમાં વધારો ઝીંકીને તગડી કમાણી કરી લીધી હતી, અને તેને સસ્તા નહોતા થવા દીધા. હવે જયારે ક્રુડના ભાવ ઉંચકાયા છે ત્યારે સરકાર એકસાઈઝ ડ્યૂટીમાં જે વધારો કરવામાં આવ્યો હતો તેમાં રાહત આપવાને બદલે તેમાં કોઈ પ્રકારનો ઘટાડો કરવા તૈયાર નથી. જેમાં સામાન્ય માણસ પિસાઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં મોંઘવારી પણ વકરી રહી છે. જો મોંઘવારી કાબૂ બહાર જતી રહી તો રિઝર્વ બેંક વ્યાજના દર પણ વધારશે, અને જો વ્યાજના દર વધ્યા તો હોમ લોન તેમજ કાર લોનના હપ્તા પણ વધી જશે. આમ, મોંઘવારીથી પિસાઈ રહેલા આમ આદમીને બેવડો માર સહન કરવો પડશે.

(4:35 pm IST)