Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મોદી સરકાર કે ચાર સાલ - બેમિસાલ

૨૦૧૯ની બાજી હાથમાંથી સરકે નહિ તે માટે આગોતરૂ આયોજન : ગુજરાતથી ઝુંબેશ શરૂ થવા સંભવ

રાજકોટ તા. ૨૨ : કર્ણાટકમાં ધ્વસ્ત થતા હવે ભાજપે નરેન્દ્રભાઇ મોદીની ચાર વર્ષની સરકારની કામગીરીના પ્રચાર માટે 'મોદી કે ચાર સાલ બેમિસાલ'ના નામે વ્યાપક પ્રચાર ઝુંબેશ આદરવાનો પ્લાન ઘડી કાઢયો છે અને તેનો પ્રારંભ ગુજરાતથી શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. શનિવારે ૪ વર્ષ પૂરા થાય છે.

દેખીતી રીતે જ વિધાનસભામાં બહુમતી માટેનો ૧૧૩ બેઠકોનો જાદુઈ આંકડો પોતાની પાસે ન હોવા છતાંયે ૧૦૪ બેઠકોના દમ પર ભાજપે કર્ણાટકમાં સરકાર રચવામાં ધોબી પછડાટ મળતા હવે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં બાજી હાથમાંથી સરકી ન જાય એ માટે મોદી શાસનના ચાર વર્ષની કામગીરીનો વ્યાપક પ્રચાર કરવાની યોજના ઘડવામાં આવી છે અને તે સમગ્ર રાષ્ટ્રના એકે એક ખૂણા સુધી વિસ્તારમાં આવનાર છે.

યોજનાનો પ્રારંભ ગુજરાતમાં કરવા પાછળનો હેતુ પણ ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે હાંફતા હાંફતા ૯૯ બેઠકો મેળવીને રચેલી સરકારની આબરૂને ઢાંકવાનો પણ રહેલો છે.

આ ઝુંબેશમાં પ્રધાનમંત્રી મોદીની ચાર વર્ષની સિદ્ઘિના ગુણગાન હશે, જી.એસ.ટી. અને નોટબંધીને વિશ્વવ્યાપી પ્રસંશા મળી હોવાનો દાવો કરવામાં આવશે ભલે પછી આખાયે દેશની જનતા કેમ ત્રાહિમામ્ પોકારી ગઈ કેમ ન હોય. પોસ્ટર હોર્ડિંગ્સ અને ઈસ્ટમેનકલરના મોદીની તસ્વીરવાળા પડદા રહેશે, નાનામાં નાના કદની પત્રિકાથી માંડી ચાર છ પાનાના ફોલ્ડરવાળી રંગીન પુસ્તિકામાં મોદીના દેશ વિદેશની યાત્રાની તસ્વીરો હશે.કોંગ્રેસ સહિત તમામ પક્ષોના ધજિયાં ઉડાડતા મોદીના પ્રવચનોની ટૂંકી નોંધ હશે, મોદીની સભાઓના પ્રવચનોની ટૂંકી વીડિયો ફિલ્મના અંશોનો પણ સમાવેશ હશે. પ્લસ પ્રચાર રથ તો હશે જ તેવું જાણવા મળે છે.

(3:57 pm IST)