Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

એવરેસ્ટની પહાડી સુધી કોરોના પહોંચ્યો, પર્વતારોહક પોઝિટિવ

વિશ્વના દરેક ખૂણે પહોચતો કોરોના વાયરસ : માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાઈ કરી રહેલો નોર્વેનો એક પર્વતારોહી સંક્રમિત થતા જેનાથી નેપાળની ચિંતા વધી ગઈ

નવી દિલ્હી, તા. ૨૩ : દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જ્યાં કોરોના વાયરસ ના પહોંચ્યો હોય પણ હવે કોરોના વાયરસ માઉન્ટ એવેરેસ્ટની પહાડીઓ સુધી પણ પહોંચી ચુક્યો છે. મળતી વિગતો પ્રમાણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી રહેલો નોર્વેનો એક પર્વતારોહી સંક્રમિત થયો છે. જેનાથી નેપાળની ચિંતા વધી ગઈ છે.

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉનના પગલે પર્વતારોહણની સીઝન બરબાદ થઈ ગઈ હતી. આ વર્ષે નેપાળે મોટી સંખ્યામાં પર્વતારોહીઓને આકર્ષવા માટે ક્વોરેન્ટાઈનના નિયમોમાં છુટછાટ આપી છે. જેના પગલે કેટલાક પર્વતારોહીઓ એવરેસ્ટ સર કરવા માટે નેપાળ પહોંચી રહ્યા છે. આવા જ એક નોર્વેના પર્વતારોહી અર્લેન્ડ નેસે એક ન્યૂઝ એજન્સીને મોકલેલા સંદેશમાં કહ્યુ હતુ કે, હું કોરોનાથી સંક્રમિત થયો છુ અને હોસ્પિટલમાં મારી સારવાર ચાલી રહી છે.

તે વખતે નેસ એવરેસ્ટના બેઝ કેમ્પ પર હતા તેમનામાં કોરોનાના સંક્રમણના લક્ષણો દેખાવા માંડ્યા હતા. એ પછી તેમને હેલિકોપ્ટર થકી ત્યાંથી એરલિફ્ટ કરીને કાઠમાંડુના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેસની ટુકડીના અન્ય એક શેરપાને પણ કોરોના થયો છે.

નેસે કહ્યુ હતુ કે, હું ઈચ્છુ છું કે, બાકીના સભ્યોને કોરોના ના થાય. કારણકે ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ હાજર વ્યક્તિને હેલિકોપ્ટર થકી બહાર લઈ જવી મુશ્કેલ છે. ઉંચાઈ પર શ્વાસ લેવામાં એમ પણ તકલીફ ડતી હોય છે અને ઉપરથી કોરોનાનુ સંક્રમણ ખતરો વધારી શકે છે.

(9:57 pm IST)