Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટમાં ઓકસીજનનો પ્રશ્ન હલ થઇ રહ્યો છે

આજે રાત સુધીમાં ૫૦ ટન ઓકસીજન ઠલવાશે : દરરોજ ૧૧૦ ટન ઓકસીજન આવશે : એડીશનલ કલેકટર દરજ્જાના બે અધિકારીઓ અને ૩૦ કર્મચારીઓની ટીમ શહેર - જિલ્લાની પ્રત્યેક હોસ્પિટલમાં ઓકસીજનની વ્યવસ્થા માટે તૈનાત : રાજકોટની ૨૫થી વધુ ખાનગી કોવિડ હોસ્પિટલોને શાપર-મેટોડામાં આવેલ માધવ, તિરૂપતિ, વિશ્વેશ્વર નામની ૩ ખાનગી એજન્સીમાંથી ઓકિસજન પુરૂ પાડવા ખાસ વ્યવસ્થા

રાજકોટ તા. ૨૩ : શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઓકસીજનની ભારે અછત વર્તાઇ રહી છે ત્યારે કલેકટર રેમ્યા મોહને સતત પ્રયત્નશીલ રહી અને રાજકોટને દરરોજ ૧૧૦ ટન ઓકસીજન મળી રહે તેવી વ્યવસ્થા કરી લીધાનું અને હવે ઓકસીજનનો પ્રશ્ન હલ થઇ રહ્યાની જાહેરાત કરી છે.

આ અંગે કલેકટર રેમ્યા મોહને 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની પ્રત્યેક ખાનગી, ટ્રસ્ટ કે સરકારી હોસ્પિટલોને સમયસર ઓકસીજન મળી રહે તે માટે આજથી જ રાજકોટને દરરોજ ૧૧૦ મેટ્રીક ટન ઓકસીજન મળવા લાગશે. આજે સવારે ૧૭ ટન ઓકસીજન આવી ચૂકયો છે અને બીજો ૩૩ ટન ઓકસીજન રાત સુધીમાં આવી જશે. આમ, આજે ૫૦ ટન જેટલા ઓકસીજન રાજકોટને મળી જશે.

આ ઉપરાંત ૧૭ થી ૧૮ ટનનું ૧ એવા ૭ થી ૮ ટેન્કરો દરરોજ રાજકોટને અપાશે.

રાજકોટમાં સ્થાનિક કક્ષાએ માધવ, તિરૂપતિ અને વિશ્વેશ્વર એમ ત્રણ ખાનગી એજન્સીઓ પાસેથી ઓકસીજન મળી રહ્યો છે. જેમાંથી ૨૫ જેટલી ખાનગી હોસ્પિટલોને ઓકસીજન અપાઇ રહ્યો છે.  આ ઉપરાંત જેતપુર - જામકંડોરણા વગેરે  તાલુકાની હોસ્પિટલોને પણ ઓકસીજન પુરો પાડવામાં આવી રહ્યો છે.

ઓકસીજન તમામ હોસ્પિટલોને તેના શેડ્યુલ મુજબ મળી રહે તે માટે એડીશનલ કલેકટર જે.કે.પટેલ તથા એડીશનલ કલેકટર જે.કે.ગોરીને જવાબદારી સુપ્રત કરાઇ છે અને તેઓની નીચે ૩૦ કર્મચારીઓની ટીમ તૈનાત કરી છે.

આથી હવે કોઇ પણ વ્યકિત ઓકસીજન માટે દોડાદોડી ન કરે તેવો અનુરોધ કલેકટરશ્રીએ આ તકે કર્યો છે.

  • કલેકટર રેમ્યા મોહનની અપીલઃ શાપર-વેરાવળમાં ઓકસીજનનો બાટલો લેવા જાય તે ટોળા ન કરે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગાડેઃ પોલીસ અને નાયબ મામલતદારો રાઉન્ડ ધ કલોક મૂકી દેવાયા

રાજકોટ :.. કલેકટર રેમ્યા મોહને આજે બપોરે ર વાગ્યે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે હોમ આઇસોલેશન દર્દીઓને માટે ઓકસીજન બાટલાની વ્યવસ્થા શાપર-વેરાવળમાં ગોઠવાઇ છેઃ લોકો બાટલો લેવા - રીફીલીંગ માટે જાય ત્યારે ટોળા ન કરે... કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે... પોલીસ બોલાવવી પડે તેવુ ન કરે તેવી અપીલ છે... અન્યથા જયદિપ એજન્સીના સંચાલકો ગભરાય અને કામગીરી બંધ કરશે તો મુશ્કેલી ઉભી થશેઃ લોકો ખાસ સંયમ જાળવેઃ પોલીસ તથા નાયબ મામલતદારો-અધિકારીઓની ટીમો મૂકાઇ

(3:06 pm IST)