Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પહેલી લહેર પછી ભારતે માની લીધું કે જંગ જીતી ગયા : એ જ મોટી ભૂલ

દેશની વર્તમાન સ્થિતી અંગે પ્રતિષ્ઠીત મેગેઝીન 'નેચર'નો દાવો

નવી દિલ્હી તા. ૨૩ : કોરોનાની પહેલી લહેર પસાર થયા પછી શું ભારતે એ ભૂલ કરી કે તેણે બીજી લહેર બાબતે ન વિચાર્યું. જ્યારે યુરોપ ત્યારે બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું. નેચર મેગેઝીનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવાયું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીક પસાર થઇ ગયા પછી સંક્રમણમાં ઘટાડાથી ભારતમાં એવી માન્યતા થઇ ગઇ કે તેણે કોરોનાને માત આપી દીધી છે.

ત્યાર પછી ભીડભાડવાળા કાર્યક્રમોના આયોજન વધવા લાગ્યા. ચુંટણીની રેલીઓથી માંડીને ધાર્મિક તથા સામાજીક આયોજનોમાં કોરોના પ્રોટોકોલની ઉપેક્ષા સરેઆમ થવા લાગી.

'નેચર'એ આ રિપોર્ટમાં અનેક મહામારી નિષ્ણાંતોના સ્ટેટમેન્ટસના આધારે આ તારણ કાઢયું છે. તેમાં પ્રિસ્ટન યુનિવર્સિટીના વાયરોલોજીસ્ટ રામાનન લક્ષ્મીનારાયણે કહ્યું કે દેશે માની લીધું કે તેણે કોરોનાને માત આપી દીધી છે. અશોકા યુનિવર્સિટીના વાયરોલોજીસ્ટ શાહિદ જમીલ અનુસાર, અત્યારે ભારતની સ્થિતિ લગભગ એવી છે, જેવી ગયા વર્ષે બ્રાઝીલમાં હતી.

રિપોર્ટ અનુસાર, બે કારણો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. એક, બ્રિટનનો કોરોના વેરીયન્ટ જે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ સહિત કેટલાય રાજ્યોમાં ઝડપથી ફેલાઇ ચૂકયો છે, જે પહેલાની સરખામણીમાં વધારે સંક્રામક છે. બીજું, ભારતમાં જોવા મળેલ ડબલ મ્યુટેશનવાળો કોરોના જે એનાથી પણ વધારે સંક્રામક હોવાની શંકા છે. પહેલી લહેરમાં ઘરમાં એક સભ્યને સંક્રમણ થતું તો જરૂરી નહોતું કે બાકીના સભ્યો પણ સંક્રમિત થાય. બીજી લહેરમાં ઘરમાં એક સંક્રમિત થયા પછી ઘરના બાકીના સભ્યોને પણ સંક્રમણ થઇ રહ્યું છે. જે બીજી લહેરની સંક્રામકતાની તીવ્રતા દર્શાવે છે.

(11:26 am IST)