Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બ્રિટન બાદ હવે UAEએ ભારતીય પ્રવાસીઓ પર ૧૦ દિવસનો લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૨૩ : દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કહેરનાં પરિણામે, ઘણા દેશો સાવચેતીનાં પગલા તરીકે ભારતથી ફલાઇટ સેવાઓ રદ કરી રહ્યા છે. બ્રિટને ભારતને રેડ લિસ્ટમાં મૂકી દીધું છે. આ પહેલા હોંગકોંગે તેની ફલાઇટ સુવિધા બંધ કરી દીધી છે. હવે, ભારતમાં કોરોનાની ગતિને જોતા, સંયુકત અરબ અમીરાત (યુએઈ) એ મોટો નિર્ણય લીધો છે.

યુએઈએ ભારતીય મુસાફરો પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ મૂકયો છે. યુએઈનો પ્રતિબંધ ૨૫ એપ્રિલથી ૪ મે સુધી લાગુ રહેશે. માત્ર બે દિવસ પહેલા જ બ્રિટને ભારતને તે દેશોની 'રેડ લિસ્ટ' માં સામેલ કર્યું છે, જે અંતર્ગત ભારતમાંથી જે બ્રિટીશર નથી તે અને આઇરિશ નાગરિકોને બ્રિટનથી પ્રતિબંધિત કરવામાં આવશે. ઉપરાંત, વિદેશથી પરત ફરનારા બ્રિટનનાં લોકોને હોટેલમાં ૧૦ દિવસ આઈસોલેશનમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે 'હાઉસ ઓફ કોમન્સ'માં આની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, બ્રિટનમાં કોરોના વાયરસનાં કહેવાતા ભારતીય સ્વરૂપથી પીડાતા ૧૦૩ કેસ નોંધાયા છે. જેમા મોટાભાગનાં કિસ્સા વિદેશથી પરત આવતા મુસાફરોને લગતા છે.

બ્રિટન ઉપરાંત પાકિસ્તાને પણ ભારતથી મુસાફરી પર બે અઠવાડિયાનું પ્રતિબંધ લગાવી દીધુ છે. સોમવારે પાકિસ્તાનની સરકારે વધતા જતા કેસોનો હવાલો આપીને કહ્યું હતું કે, ભારતથી આવતા મુસાફરો આવતા બે અઠવાડિયા સુધી વાયુ અને માર્ગ દ્વારા પાકિસ્તાન આવી શકશે નહીં.

(11:26 am IST)