Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

શ્વાસની કટોકટી... ર૫ દર્દીઓ તરફડીને મરી ગયા

દિલ્હીની સૌથી મોટી ગણાતી સર ગંગારામ હોસ્પીટલની કરૂણ ઘટનાઃ ર૪ કલાકથી ઓકસીજનનો પુરવઠો નહિ મળતા દર્દીઓ ટપોટપ મોતને ભેટયા : હજુ ૬૦ દર્દીઓના જીવ ઉપર જોખમઃ મેડીકલ ઉપકરણો પણ બરોબર કામ કરતા નથીઃ ઉહાપોહ બાદ ઓકસીજનનું ટેન્કર પહોંચ્યું

નવી દિલ્હી, તા., ર૩: દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે ઓકસીજનને લઇને પણ હાહાકાર મચી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની સૌથી મોટી ગણાતી સર ગંગારામ હોસ્પીટલમાં ઓકસીજનની અછતને કારણે છેલ્લા ર૪ કલાકમાં રપ દર્દીઓના કરૂણ મોત નિપજયા છે અને ૬પ દર્દીઓના જીવ જોખમમાં છે. ઉહાપોહ મચી ગયા બાદ ઓકસીજનનું ટેન્કર પહોંચ્યુ હોવાનું જાણવા મળે છે. ઓકસીજનની અછતને કારણે નવા દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આજ રીતે શહેરની એપોલો, મેકસ, વિમહંસ જેવી હોસ્પીટલોમાં પણ નવા દર્દીઓને પ્રવેશ અપાતો નથી. આ બધી હોસ્પીટલોમાં ઓકસીજનની કારમી અછત જોવા મળી રહી છે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી હાલત બેકાબૂ છે. ડોકટર અને સ્વાસ્થ્યકર્મી સતત લોકોના જીવ બચાવવાની કોશિશમાં છે. આમ છતાં રાજધાની દિલ્હીમાંથી ખુબ જ ભયાનક સમાચાર સામે આવ્યા છે. સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દીઓના મોત થઈ ચૂકયા છે. જયારે ૬૦ ગંભીર રીતે બીમારી દર્દીઓના જીવ જોખમમાં છે. જો કે છેલ્લે મળેલી માહિતી મુજબ તાબડતોબ એક ઓકિસજન ટેન્કર હોસ્પિટલમાં પહોંચાડી દેવાયું છે.

હોસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા ઈમરજન્સી સંદેશમાં ઓકિસજનની તાત્કાલિક જરૂરિયાત જણાવવામાં આવી છે. હોસ્પિટલમાં થોડા કલાકો માટે જ ઓકિસજન બચ્યો છે. આવામાં તાકીદે  ઓકિસજનની વ્યવસ્થા કરવાની માગણી કરાઈ છે.

હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે વેન્ટિલેટર, અને બાઈલેવલ પોઝિટિવ એરવે પ્રેશર (BiPAP) પ્રભાવી રીતે કામ કરી રહ્યા નથી. આઈસીયુ અને ઈડીમાં મેન્યુઅલ રીતે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે. આઈસીયુ અને ઈમરજન્સી ચિકિત્સા વિભાગમાં વેન્ટિલેશન  બહાલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓકિસજનની કમી બાદ અનેક હોસ્પિટલોએ કોરોના પીડિત દર્દીઓને એડમિટ કરવાનું બંધ કરી દીધુ છે.

(10:52 am IST)