Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

આશિકી ફેમ નદીમ - શ્રવણ બેલડીના શ્રવણ રાઠોડનું નિધન

મુંબઇ, તા. ૨૩: કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ નદિમ-શ્રવણની પ્રખ્યાત જોડીમાંના  સંગીતકાર શ્રવણ રાઠોડનું રાત્રે ૧૦.૦૦ વાગ્યે હાર્ટ એટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું છે

શ્રવણ રાઠોડના પુત્ર સંજીવ રાઠોડે એક ન્યુઝ ચેનલને આ બાબતે પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, 'પપ્પા થોડા સમય પહેલા અમને છોડીને ગયા હતા. હાર્ટ એટેકથી તેનું મોત નીપજયું હતું. તેના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું.' નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી શ્રવણની હાલત સતત બગડતી હતી. આશિકી ફિલ્મ ફેમ શ્રવણ રાઠોડ આઈસીયુમાં દાખલ હતા અને તેમની કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોવાથી તબીબોએ સોમવારે રાત્રે તેનું ડાયાલિસિસ શરૂ કર્યું હતું. શનિવારે મુંબઈના માહીમમાં સ્થિત એસ. એલ. રહેજા હોસ્પિટલમાં દાખલ કરાયેલા શ્રવણ રાઠોડના એક ખૂબ જ નજીકના મિત્રએ એક ચેનલેને જણાવ્યા અનુસાર, 'ફેફસાં, હ્રદય, કિડનીને સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. તેથી જ મંગળવારે ડોકટરોએ ડાયાલિસીસનો નિર્ણય લીધો હતો. જો કે ડોકટરોએ આગામી ૭૨ કલાક નાજુક છે તેમ પણ કહ્યું હતું.' શ્રવણ રાઠોરના દીકરા સંજીવ રાઠોડે પણ પોતાના પિતાને પ્રાર્થનાઓની જરૂર છે તેમ કહ્યું હતું. ૬૬ વર્ષિય શ્રવણ રાઠોડ કોરોનાથી સંક્રમિત હતા,  હાલત ગંભીર હતી પણ હોસ્પિટલમાં સુધારો નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે  જાણીતા ગીતકાર સમીર અંજાને આ સંગીતકાર જોડી માટે સૌથી વધુ ગીતો લખ્યાં છે. ૯૦ના દાયકામાં નદીમ શ્રવણની જોડીએ અનેક બોલીવુડ હિટ સંગીત આપ્યું હતું.

(10:14 am IST)