Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

આસામ સરકારના પ્રોટોકોલનો ભંગ

આસામમાં ૩૦૦ મુસાફરો ટેસ્ટ કરાવ્યા વગર એરપોર્ટ પરથી ભાગ્યા

સિલચર એરપોર્ટ પર અન્ય ૧૮૯ મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવ્યો, ૬ પોઝીટીવ આવ્યા

નવી દિલ્હી,તા. ૨૩: કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ રાજયો દ્વારા એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશનો પર બીજા રાજયોમાંથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

આસામના સિલચર એરપોર્ટ પર આ દરમિયાન બનેલી ચોંકાવનારી ઘટનામાં ફ્લાઈટમાંથી ઉતરેલા ૩૦૦ મુસાફરો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ ભાગી ગયા હતા.કોરોના મહામારીની બીજી લહેરના ફેલાવા બાદ આસામ સરકારે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેમાં બહારથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ કરાવવાના હોય છે.

સિલચર એરપોર્ટ જોકે નાનુ હોવાથી અહીં ઉતરતા મુસાફરોને નજીકની એક હોસ્પિટલમાં લઈ જઈને ટેસ્ટ કરાવાય છે. અધિકારીઓએ કહ્યુ હતુ કે, બુધવારે અહીંયા ઉતરેલા ૩૦૦ મુસાફરો ટેસ્ટિંગ વગર જ ભાગી ગયા હતા. જયારે બીજા ૧૮૯ મુસાફરોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ૬ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

તંત્રનુ કહેવુ છે કે, કેવી રીતે લોકો ભાગી ગયા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમની ભાળ મેળવવા માટે દોડધામ કરી રહી છે.

(10:12 am IST)