Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બંગાળની ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શકયતા

પેટ્રોલમાં રૂ. ૩, ડીઝલમાં રૂ.૨ તબક્કાવાર રીતે વધારાશે : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે સરકારી ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ૨૭ ફેબ્રુઆરીથી ભાવ વધાર્યા નથી

નવી દિલ્હી,તા. ૨૩: હાલમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર રીતે બે રૂપિયાથી લઇને ત્રણ રૂપિયા સુધીનો વધારો કરે તેવી શકયતા છે. વિધાનસભા ચૂંટણીઓને કારણે ભાવ ન વધારવાના કારણે તેમને થઇ રહેલા નુકસાનની ભરપાઇ તેઓ ચૂંટણી પૂર્ણ થયા પછી કરી લેશે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીને કારણે ભાવ ન વધારવાને કારણે અને આંતરરાષ્ટ્ીય બજારમાં ક્રૂડના ભાવ વધવાને કારણે સરકારી ઓઇલ માકટિંગ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લિટરે ત્રણ રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે બે રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

આ નુકસાનની ભરપાઇ કરવા માટે કેટલાક દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવશે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને અનુરૂપ પેટ્રોલ અને ડીઝલના ભાવ થઇ જાય.

ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબુ્રઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. અને બીજી બાજુ માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૭૭ પૈસા અને ૭૪ પૈસાનો ઘટાડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીમાં ક્રૂડનો સરેરાશ ભાવ ૬૧.૨૨ ડોલર હતો. જે માર્ચમાં વધીને ૬૪.૭૩ ડોલર અને એપ્રિલમાં ૬૬ ડોલર થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડની ખરીદીમાં રૂપિયાનું મૂલ્ય પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો રૂપિયો મજબૂત હોય તો ખરીદી સસ્તી પડે છે અને રૂપિયો નબળો પડે તો ખરીદી મોંઘી પડે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ત્યારથી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. ૨૪ અને ૨૫ માર્ચ તથા ૩૦ માર્ચ અને ૧૫ એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ૨૯ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન છે અને બીજી મેના રોજ પાંચ રાજયોમાં થયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે.

(10:11 am IST)