Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લોકસભા ચૂંટણી : ત્રીજા ચરણમાં ૬૩-૬૫ ટકા સુધીનું મતદાન થયું

રાહુલ ગાંધી-અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ સીલ થયા : સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે બંગાળ, આસામ, કર્ણાટક, કેરળમાં ઉંચા મતદાનથી સસ્પેન્સ : ગુજરાતમાં પણ ઉંચુ મતદાન : કુલ ૩૦૨ બેઠકો પર મતદાન પૂર્ણ

મુંબઇ,તા. ૨૩ : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. જે પૈકી આસામમાં ૭૮, બિહારમાં ૫૯, ગોવામાં ૭૧, ગુજરાતમાં ૬૨, કર્ણાટકમાં ૬૪, કેરળમાં ૭૦ અને મહારાષ્ટ્રમાં ૫૭ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે આંકડાને લઇને માહિતી આપી હતી. પશ્ચિમ બંગાળમાં પણ ઉંચુ મતદાન નોંધાયું હતું. બંગાળમાં ૭૮ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. દેશમાં સરેરાશ ત્રીજા તબક્કામાં ૬૩થી ૬૫ ટકા સુધી મતદાન થયું હતું. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની જીતના દાવા કરવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૫૭ ટકાથી વધુ મતદાન થયું હતું. અગાઉ આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ મતદાન કરવા માટે સંબંધિત મતદાન મથક પર પહોંચ્યા હતા.  હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં ૧૧૬ સીટ પર મતદાન પૂર્ણ થયું હતું. ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન યોજાયું હતું. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે. ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં ૯૫.૫ લાખ પુરૂષ  અને ૮૦.૯ લાખ મહિલા મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં એક કરોડ ૭૬ લાખ મતદાર પૈકી મોટા ભાગના મતદારો દ્વારા ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવામાં આવ્યો હતો. આજના મતદાનની સાથે જ ૧૨૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. બિહારમાં પાંચ સીટ પર મતદાન યોજાયું હતું. પાંચ સીટ પર મેદાનમાં રહેલા ૮૨ ઉમેદવારોના ભાવિ મતદાનની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. કુલ ૮૮.૩૧ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ માટે ઉત્સુક હતા પરંતુ આ પૈકી બિહારમાં ૬૦ ટકા જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા બહાર નિકળ્યા હતા. કર્ણાટકમાં કુલ ૧૪ સીટ પર ૨૩૭ ઉમેદવારો ભાગ્ય ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રવિવારના દિવસે ત્રીજા તબક્કા માટે ચુંટણી પ્રચારનો અંત આવ્યા બાદ ઘરે ઘરે જઈને પ્રચારની શરૂઆત થઇ હતી. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠક પર મતદાન થયું હતું. ૧૧૬ બેઠકો ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી છે. ત્રીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાયું હતું તેમાં ગુજરાતમાં તમામ ૨૬, કેરળમાં ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૪-૧૪ ઉત્તરપ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં સાત બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક ઉપર મતદાન થયું હતું. ૧૧૬ સીટ પરના મતદાનને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી હતી. ૧૮૬ બેઠક પર મતદાન થયું છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં આવતીકાલે મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ.   બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં  મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.  આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.  ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. ત્રીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ,  તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી.  કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષોના ૩૧૬, ક્ષેત્રિય પક્ષોના ૭૬, રજિસ્ટર્ડ બિનમાન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોના ૪૯૬ અને ૭૨૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.  આ  તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ૩૯૨ નોંધાઈ હતી.  જે પૈકી ૧૬૦ ઉમેદવારની સંપત્તિ પાંચ કરોડથી વધારે હતી.

કોના ભાવિ સીલ થયા

નવીદિલ્હી, તા. ૨૩ : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે તમામ રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં મેદાનમાં રહેલા મહારથી નીચે મુજબ છે.

*   રાહુલ ગાંધી (કોંગ્રેસ અધ્યક્ષ)

*   મુલાયમ સિંહ યાદ ( સપાના સ્થાપક)

*   આઝમ ખાન ( સમાજવાદી પાર્ટીના નેતા)

*   જ્યા પ્રદા ( બોલિવુડ સ્ટાર, ભાજપ લીડર)

*   શિવપાલ સિંહ યાદવ  પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી)

*   રૂણ ગાંધી ( ભારતીય જનતા પાર્ટી)

*   અમિત શાહ (ભારતીય જનતા પાર્ર્ટી)

*   પરેશ ધાનાણી (કોંગ્રેસ)

*   ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)

*   વીણા  (કોંગ્રેસ)

*   અનંત હેંગડે (ભાજપ )

*   શશી થરુર (કોંગ્રેસ)

*   સંતોષ ગંગવાર (ભાજપ)

*   ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)

*   વિલાસ ઔતાડે (કોંગ્રેસ)

*   કિરિટ સોલંકી (ભાજપ)

(8:13 pm IST)
  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST

  • દેશભરના ઇવીએમમાં ગરબડો બહાર આવી રહી છે મતો ભાજપમાં જાય છેઃ અખિલેશ યાદવની સનસનાટી ફેલાવતો આરોપઃ મશીનો જ ખરાબ થશે તો લોકતંત્ર કેવી રીતે મજબુત થશે? રામપુરમાં જ ૩૦૦ ઇ.વી.એમ ખરાબ access_time 3:46 pm IST