Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અંતિમક્રિયામાં રડતી મહિલાને વાંદરાએ ભેટીને સાંત્વના આપી

નારગુંદ તા.ર૩: કર્ણાટકના નારગુંદ ટાઉનમાં એક વાંદરો છે જે એ ગામમાં કોઇનું પણ મોત થાય તો ફયુનરલ કે બેસણામાં પહોંચી જાય છે. ગામલોકો દ્વારા અવારનવાર ચર્ચાતી આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે. ગામમાં ૮૦ વર્ષના દેવેન્દ્રપ્પા કામર નામના દાદાનું નિધન થયેલું. પાર્થિવ દેહની આસપાસ સ્વજનો કલ્પાંત કરી રહ્યા હતા એવામાં અચાનક એક વાંદરો ઘરમાં પ્રવેશે છે. પહેલાં એ બહેનોની છેલ્લી લાઇનમાં બેઠો હોય છે. થોડીવાર પછી પાર્થિવ દેહ પાસે બેઠેલી મહિલાને ખૂબ રડતી-કકળતી જોઇને શાંતિથી ચાલીને એ તેની પાસે આવે છે અને મહિલાના ખોળામાં બેસે છેે. પહેલાં એ મહિલાના માથે હાથ ફેરવે છે અને પછી બેઉ હાથે ગળે વળગાડે છે. મહિલા રડવાનું બંધ કરે છે અને એ પછી ત્યાંથી નિકળી જાય છે.

ગામલોકોનું કહેવું છે કે આ વાનર પહેલી વાર નહીં, અનેકવાર અંતિમક્રિયા દરમ્યાન આવીને રડતા સ્વજનોને સાંત્વના આપી ગયો છે. સામાન્ય રીતે બહુબધા લોકો કોઇ ઘરમાં પ્રવેશે એવું આ વાનરને દેખાય એટલે તરત એ ઘરમાં પ્રવેશે છે. જો ઘરમાં કોઇ મેળાવડો જે જશન ચાલતું હોય તો એ ત્યાંથી એમ જ ચાલ્યો જાય છે, પણ જો કોઇ મૃતદેહ દેખાય અને લોકો કલ્પાંત કરતા હોય તો એ શાંતિથી બેસી રહે છે અને કયારેક સ્વજનોને ભેટીને શાંત પાડવા માટે જાય છે.

(3:58 pm IST)