Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

યુક્રેનના લોકો કેવા કંટાળ્યા હશે? કોમેડિયનને રાષ્ટ્રપતિપદે ચૂંટી કાઢયો

હાલના રાષ્ટ્રપતિ તમામ ભાગમાં પરાજીતઃ માત્ર ૨૪ ટકા મત મળ્યાઃ વિશ્વમાંથી અભિનંદન વર્ષાઃ આખું વિશ્વ ચકિત

કીવઃ યૂક્રેઇનમાં રવિવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પરિણામ જાહેર થયા હતા. જેમાં કોમેડિયન વોલોડાઇમિર ઝેલેન્સ્કીએ ૭૩ ટકા મત મેળવીને વિજયી થયા હતા. ઝેલેન્સ્કી ટીવી શોમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવીને લોકપ્રિય બન્યા હતા. ભ્રષ્ટાચારથી ત્રાહિમામ્ થયેલા યૂક્રેઇન વાસીઓને તેમની આ ભૂમિકા ખૂબ પસંદ પડી હતી અને તેમણે રેકોર્ડબ્રેક મતોથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢયા હતા. રાષ્ટ્રપતિ પોત્રો પોરોશેંકોએ પોતાનો પરાજય સ્વીકારી લીધો હતો. ઉલ્લેખનીય છે કે પોરોશેંકો ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા છે.

ઝેલેન્સ્કીનો જન્મ યહૂદી વૈજ્ઞાનિક પરિવારમાં થયો હતો. ટીવીની ભૂમિકામાં પણ તેમને ભ્રષ્ટાચાર સામે લડતા રાષ્ટ્રપતિ તરીકે દેખાડાયા હતા. તેમણે ટીવી શો સર્વન્ટ ઓફ ધ પીપલમાં એવા શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું કે, તેણે ભ્રષ્ટાચારના વિરોધમાં આપેલું ભાષણ વાઇરલ થઈ જાય છે અને તે દેશનો રાષ્ટ્રપતિ બને છે. ઝેલેન્સ્કી અત્યાર સુધી કોઈ પણ સરકારી પદ પર રહ્યા નથી.

આ પરિણામે માત્ર યુક્રેનને જ નહિં પરંતુ આખા વિશ્વને ચોંકાવ્યુ છે. જેલેસ્કી પાસે કોઇ પણ પ્રકારનો રાજકીય અનુભવ પણ ઙ્ગનથી.

રાજકીય અનુભવના નામે માત્ર એક વખત તેણે એક ટીવી શોમાં રાષ્ટ્રપતિનો રોલ કર્યો હતો. યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ પેટ્રો પોરેશેંકોનેે જેલેસ્કી સામે બહુ ખરાબ રીતે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતોે. દેશના દરેક ભાગમાં તેમને હાર મળી છે. પોરેશેંકોને માત્ર ૨૪ ટકા મત મળ્યા હતો.

આ એક એવા ચૂંટણી અભિયાનનું પરિણામ છે કે જે મજાકમાં શરૂ થયુ હોય અને તેણે મતદાતાઓને પોતાની સાથે જોડી દીધા હોય. વોલોદિમીર જેલેસ્કીએ પરંપરાગત ચૂંટણી પ્રચાર, રેલીઓ કે સભાઓના બદલે કોમેડી વડે જ પ્રચાર કર્યો હતો.

તેના ચૂંટણી અભિયાનમાં ભ્રષ્ટાચાર જ મુખ્ય મુદ્દો હતો. વોલોદિમીર જેલેસ્કીની જીત બાદ અમેરીકી પ્રમુખ ટ્રમ્પ સહિતના વૈશ્વિક નેતાઓએ તેને અભિનંનદન આપ્યા છે. યુક્રેનની સ્થાનીક મિડીયા જેલેસ્કીને 'યુક્રેનનો ડોનાલ્ડ ટ્રમ્પ' ગણાવે છે. જીત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વોલોદિમીર જેલેસ્કીએ જણાવ્યુ છે કે યુરોપના ગરીબ દેશોમાં ગણના થતાં યુક્રેનને તે બદલવા જઇ રહ્યો છે. તેમણે વધુમાં જણાવેલ કે, હું તમને કયારે પણ નિરાશ નહીં કરૂ, હું સોવેયિત કાળ બાદના બધા દેશોને કહી શકુ છુ કે અમને જુઓ. બધી જ વસ્તું શકય છે. ઉલ્લેખનીય છે કે તેણે આ વાત ખાસ યુક્રેનના પાડોશી રશિયા માટે અપાયુ છે. બંન્ને દેશો વચ્ચે સરહદી તણાવ છે. રશિયામાં છેલ્લા ૨૦ વર્ષથી બ્લાદિમીર પુતિન સત્તામાં છે.

(3:57 pm IST)