Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સામૂહિક ગેંગરેપ કેસઃ બિલ્કિસ બાનોને રૂ. ૫૦ લાખનું વળતર ચુકવવાનો આદેશ

સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો

નવી દિલ્હી, તા.૨૩: ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. ૫૦ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશશ કર્યો છે.

નોંધનીય છે કે આ કેસમાં બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે રાજય સરકાર દ્વારા પ્રસ્તાવિક પાંચ લાખ રૂપિયાનું વળતર યોગ્ય નથી. આથી તેના વળતરમાં વધારો થવો જોઈએ.

બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે ૧૨ લોકોને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજયમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન રાધિકાપુરા ગામ ખાતે બિલ્કિસ પર સામૂહિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ કેસમાં આરોપી તરીકે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બાકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટના નામ આપવામાં આવ્યા હતા. આ તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસને બાદમાં મુંબઈ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.

(3:45 pm IST)