Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પ્રોપર્ટીના વેચાણમાં રોકડ લેવડ-દેવડ સામે આયકરની લાલઆંખ

ગુનો સાબિત થાય તો ભારે દંડની છે જોગવાઇઃ ૨૬૮૩૦ લોકોને મોકલાઇ નોટીસ

નવી દિલ્હી તા. ૨૩ : પ્રોપર્ટીની ખરીદીમાં રોકડ રકમનો ઉપયોગ કરનારાઓ સામે આવકવેરા વિભાગે સખત વલણ અપનાવ્યું છે. વિભાગે ચાલુ વર્ષમાં તપાસ દરમિયાન પ્રોપર્ટીની ખરીદી દરમિયાન રોકડ રકમનો ઉપયોગ કરનારા ૨૭ હજાર લોકોની ઓળખ કરી લીધી છે. વિભાગે આ લોકોને નોટીસ મોકલવાનું ચાલુ કર્યું છે.

વિભાગે લોકોને પ્રોપર્ટીની ખરીદી અને તેમના બેંક ખાતાની માહિતીને જોડીને તેના આધાર પર એ જાણ મેળવી છે કે દેશમાં ૨૬,૮૩૦ કેસમાં નક્કી કરેલી મર્યાદાથી વધારે રોકડ રકમનો ઉપયોગ થયો હતો. નિયમો અનુસાર પ્રોપર્ટીની ખરીદીમાં ૨૦ હજાર રૂપિયાથી વધારે રકમની રોકડમાં લેવડ-દેવડ ન થઇ શકે.

પહેલા તબક્કામાં વિભાગે મોટી રકમની લેવડ-દેવડ કરનારાઓને નોટીસ મોકલવાનું શરૂ કર્યું છે. સૂત્રો અનુસાર પાંચ લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ-દેવડના દેશભરમાં લગભગ ૧૦ હજાર કેસ સામે આવ્યા છે. આ બધાને નોટીસ મોકલવાનું શરૂ કરી દેવાયું છે. માહિતી અનુસાર, દિલ્હીમાં ૨૦૦૦ અને હૈદરાબાદમાં લગભગ ૧૭૦૦ કેસ ધ્યાનમાં આવ્યા છે. (૨૧.૫)

ગુનો સાબિત થાય તો ભારે દંડ

ટેક્ષના નિષ્ણાંત દેવેન્દ્રકુમાર મિશ્રા અનુસાર ગુનેગાર સાબિત થાય તો પ્રોપર્ટી ખરીદનાર વ્યકિત ઉપર આવકવેરાની કલમ ૨૭૧ ડી હેઠળ રોકડ રકમ જેટલો જ દંડ લગાડવાની જોગવાઇ છે. એટલે જે લોકોને આવી નોટિસ મળી છે તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની યોગ્ય સલાહ લઇને પોતાનો જવાબ આપવો જોઇએ

(11:44 am IST)