Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

૨૬ બેઠકો માટે થઈ મતવર્ષાઃ લોકો ઉમટી પડયાઃ ૬૫ ટકાના સંજોગો

લોકસભાની સાથે સાથે ૪ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાનઃ દિગ્ગજ નેતાઓ મોદી, શાહ, જેટલી, અડવાણી, રૂપાણી, આનંદીબેન સહિતનાઓએ કર્યુ મતદાન : ૩૭૧ ઉમેદવારોનુ ભાવિ ૪.૫૧ કરોડ મતદારો ઈવીએમમાં કેદ કરી રહ્યા છેઃ અમદાવાદ સહિત મોટા શહેરો અને ગામોમાં સવારથી મતદાન માટે લાંબી લાંબી લાઈનો જોવા મળીઃ રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યુ છેઃ રાજ્યભરમાં ચૂસ્ત બંદોબસ્તઃ મતદાનની ટકાવારી વધારવા સતત ઝૂંબેશઃ ભાજપ-કોંગ્રેસના વિજયના દાવા

નવી દિલ્હી, તા. ૨૩ :. ગુજરાતની લોકસભાની તમામ ૨૬ અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે આજે સવારથી ભારે ઉત્સાહથી મતદાન કાર્યનો પ્રારંભ થયો છે. સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થતા જ અનેક મત કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો શરૂ થઈ ગઈ હતી. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલવાનુ છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૦ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. બનાસકાંઠામાં ૪૨ ટકા, સાબરકાંઠામાં ૪૩.૮ ટકા, ભરૂચમાં ૪૫ ટકા, વડોદરા અને છોટા ઉદેપુરમાં ૪૧ ટકા, દાહોદમાં ૪૭ ટકા, રાજકોટ ૩૪.૨ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. જે રીતે મતદાન થઈ રહ્યુ છે તે જોતા ભારે મતદાન થવાના સંજોગો જણાય રહ્યા છે. એક અંદાજ મુજબ ૬૫ થી ૭૦ ટકા જેટલુ ધીંગુ મતદાન થવાની શકયતા છે.

આ લખાય છે ત્યાં સુધી રાજ્યમાં મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યુ છે. તમામ મત કેન્દ્રો ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. રાજ્યમાં જે રીતે ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યુ છે તે જોતા મતદાનની ટકાવારી ઉંચી જાય તેવી શકયતા છે. અમદાવાદમાં અનેક મત કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આજે સવારે વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત અડવાણી, આનંદીબેન પટેલ, અરૂણ જેટલી, વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ પોતાની મતદાનની ફરજ બજાવી હતી.

ગુજરાતની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની પેટાચૂંટણીની ૪ બેઠકો માટે ૪૫ ઉમેદવારો મેદાનમાં છે. આ બધાનું ભાવિ ૪.૫૧ કરોડ મતદારો ઈવીએમમાં કેદ કરી રહ્યા છે. લોકસભાની બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક ઉપર છે અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક ઉપર છે. અમિત શાહ જ્યાંથી લડે છે એ ગાંધીનગર બેઠક ઉપર ૧૭ ઉમેદવારો છે. રાજ્યમાં ૧ કરોડ ૧૦ લાખથી વધુ યુવા મતદારો પણ મતદાન કરી રહ્યા છે. જેઓ માટે પહેલો પ્રસંગ છે.

લોકસભાની ૨૬ બેઠકો ઉપરાંત ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદર વિધાનસભાની બેઠક ઉપર પેટાચૂંટણી માટે પણ સવારથી ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં મતદાન શરૂ થયુ છે.

રાજ્યમાં કુલ ૫૧૭૦૯ મતદાન કેન્દ્રો ઉપર ૩ લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તમામ મત કેન્દ્રો ઉપર ચૂસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. (૨-૨૩)

નરેન્દ્રભાઈએ પત્રકારોને શું કહ્યું?!

આજે અમદાવાદ ખાતે મતદાન કરી બહાર નીકળેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપસ્થિત ઈલેકટ્રોનિક મિડીયા અને અખબારી જગતના પત્રકારોનો આભાર માનતા કહેલ કે આખો મહિનો તમે આકરા તાપમાં ભારે દોડાદોડી કરી છે, ખૂબ મહેનત કરી છે, હવે આરામ કરો અને બાળકો તથા ઘરના સભ્યો માટે સમય આપજો.

 

(3:59 pm IST)