Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચેનલ નકકી કરવાની આઝાદી નહીં આપે તો થશે કાર્યવાહી

ગ્રાહકોની હેરાનગતી અંગે ડીટીએચ કંપનીઓને ટ્રાઇની ચેતવણી : નિયમભંગ માટે ૬ કંપનીઓનો જવાબ માંગવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૨૩: દુરસંચાર નિયામક ટ્રાઇ એ પસંદગી અનુસારની ચેનલ નકકી કરવાની સુવિધા ન આપનાર કેબલ ટીવી અને ડીટી.એચ. કંપનીઓને કડક કાર્યવાહીની ચેતવણી સોમવારે આપી છે.

ટ્રાઇએ કહ્યું કે જે પણ નવા આદેશ તથા નિયમોનું ઉલ્લંઘન કરશે તેમણે તેની સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. ટ્રાઇ નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓની ગ્રાહક સેવા અંગે તપાસ શરૂ કરશે. ટ્રાઇના ચેરમેન આર.એસ શર્માએ કહ્યું કે ઉપભોકતાઓની પસંદગી અને હિત સર્વોપરી છે. તેના અંગે કોઇ સમજૂતી ન થઇ શકે. જે કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તેમણે તેનું પરિણામ ભોગવવું પડશે.

ટ્રાઇએ કહ્યું કે ગ્રાહકો જો ચેનલનું પેકેજ પસંદ કરે તો ઠીક છે પણ કઇ ચેનલ જોવી તેનો વિકલ્પ ગ્રાહકો પાસે છે જ અને તેમને તે સુવિધા મળવી જ જોઇએ. જો તમે ગ્રાહકોને તેમને પસંદ હોય તેવી ચેનલોની પસંદગીની અનુમતિ ન આપો તો તે નિયમોનો ભંગ ગણાય. આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.

(11:39 am IST)