Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વારાણસીમાં મોદી સામે પ્રિયંકા જીતી શકે તેમ છે કે નહિ? કોંગ્રેસ કરાવે છે સર્વે

કોંગ્રેસ માને છે કે મહિલાઓ, મુસ્લિમો, દલિતો, યાદવોના મત મળી શકે તેમ છે

નવી દિલ્હી તા. ૨૩ : વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ઘ પ્રિયંકા ગાંધી વાડરાને વારાણસીની બેઠક માટે ચૂંટણીના મેદાનમાં ઉતારવાની કે નહીં એ વિશે કોંગ્રેસ આંતરિક સર્વેક્ષણ કરાવી રહી છે.

અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વેક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ સર્વેક્ષણનો રિપોર્ટ સકારાત્મક આવે કે નકારાત્મક, બંને સ્થિતિમાં શું કરવું એ અગાઉથી નક્કી કરી લેવાયું છે.

વારાણસીની બેઠક માટે ૨૨ એપ્રિલથી ૨૯ એપ્રિલ વચ્ચે નામાંકન દાખલ કરવાના છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૫મી એપ્રિલે વારાણસી પહોંચીને ૨૬મી એપ્રિલે રોડ શો કરશે અને ત્યાર બાદ પોતાના દસ્તાવેજ ચૂંટણીપંચ સમક્ષ દાખલ કરશે. કોંગ્રેસની અપેક્ષા પ્રમાણે જો પ્રિયંકાને મોદી સામે ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાય તો બસપ-સપનું ગઠબંધન કદાચ મોદીને હરાવવા એમને ટેકો આપે. બસપ-સપના ગઠબંધનની સમજૂતી પ્રમાણે વારાણસીની બેઠક સપને મળી છે, તો એ હિસાબે અખિલેશ યાદવ કદાચ ટેકો આપેય ખરા.

કોંગ્રેસના સમર્થકોના મતે જો પ્રિયંકા ચૂંટણી લડે તો એને મહિલાઓ, મુસ્લિમો, દલિતો, યાદવોના મત મળી શકે એમ છે અને તો પરિણામનું સમીકરણ બદલાવાની શકયતા ઊભી થાય એમ છે. આ રીતે વધુ મત કપાતા મોદી માટે ચઢાણ વધુ કપરાં સાબિત થઇ શકે એમ છે.  જોકે, મતદારો સમજદાર છે અને તેઓ કોને જીતાડશે એ તો પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે.

(10:05 am IST)