Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ટ્રમ્પએ આપ્યો ભારતને મોટો ઝટકોઃ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે હવે છૂટ નહીં ;2જી મેં થી પ્રતિબંધ

ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા 8 દેશોને 180 દિવસની અસ્થાયી છૂટ થશે સમાપ્ત

 

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  ભારતને મોટો ઝટકો આપ્યો છે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈળ ખરીદતા દેશોને પ્રતિબંધમાં રાહત ન આપવાનો નિર્ણય લેવાયો છે  જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે.  ઈરાન પર દબાણ લાવવા અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે,

  વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે જણાવ્યું કે "રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનાની શરૂઆતમાં જ સમાપ્ત થઈ રહેલી રાહદ સંબંધિત 'સિગ્નિફિકન્ટ રિડક્શન એક્સેપ્શન્સ'ને ફરીથી લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઈરાનની દ્વારા કરવામાં આવતી ક્રૂડ ઓઈલની નિકાસને શૂન્ય સુધી લઈ જવા માટે અને ત્યાંની સરકારની મહેસુલી આવકના પ્રમુખ સ્રોતને સમાપ્ત કરવા માટે લેવાયો છે.

  ઈરાન સાથે વર્ષ 2015માં થયેલા ઐતિહાસિક પરમાણુ કરારમાંથી ખસી જઈને અમેરિકાએ ગત નવેમ્બરમાં ઈરાન પર ફરીથી પ્રતિબંધો લગાવી દીધા હતા. અમેરિકાના આ પગલાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સરકાર દ્વારા ઈરાન પર 'મહત્તમ દબાણ' તરીકે જોવામાં આવી રહ્યું છે. 

  ગયા વર્ષે અમેરિકાએ ભારત, ચીન, તુર્કીસ્તાન અને જાપાન સહિત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા 8 દેશોને 180 દિવસની અસ્થાયી છૂટ આપી હતી. આ નિર્ણયના કારણે ભારત સહિત તમામ 8 દેશોએ હવે 2 મે, 2019 સુધી ઈરાન પાસેથી પોતાની ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવી પડશે. ઈજિપ્ત, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન પહેલાથી જ ઈરાન પાસેથી પોતાની ક્રૂડ ઓઈલની આયાત ઘટાડી ચૂક્યા છે. 

ઈરાન પર દબાણ પેદા કરવા માટે અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે

 

(8:42 am IST)